સમગ્ર રાજ્યમાં "ટોક ઓફ ધ સ્ટેટ" બનેલા રાજકોટના ચકચારી ફાયરિંગ કેસમાં પેંડાગેંગને હથિયાર આપનાર ની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન લક્ષ્મીવાડીના નામચીન આરોપીને એસઓજી બ્રાન્ચે હથિયારો સાથે ઝડપી જેલમાં ધકેલી દીધો હતો પરંતુ ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગ ને હથિયાર આ આરોપીએ આપ્યાની કબુલાતના આધારે જેલમાંથી કબજો મેળવી પૂછપરછ હાથ ધરતા તેને હથિયાર નવલનગરમાં રહેતા આરોપીએ આપ્યાની કબુલાતના આધારે દેશી તમંચા અને ત્રણ કાર્ટિસ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
ભયલા ગઢવીએ ફાયરીંગમાં વાપરેલ હથીયાર સંજયરાજે આપ્યું હતું
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બે ગેંગ વચ્ચે ચાલતી જુની અદાવતમાં સામ-સામા ધાણીફૂટ ફાયરીંગની ઘટનામાં એડીવીજન પોલીસ મથકમાં રાયોટ, હત્યાના પ્રયાસ, આર્મ્સ એકટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પેંડા ગેંગના સાગરીત જીજ્ઞેશ ઉર્ફે ભયલો દીનેશ રાબા ગઢવી સહિતના આરોપીને ઝડપી ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરતા પોપટ બની ગયેલા ભયલા ગઢવીએ ફાયરીંગમાં વાપરેલ હથીયાર સંજયરાજ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા લક્ષ્મીવાડી વાળાએ આપ્યાની કબૂલાત આપી હતી.
ઋતુરાજસિંહ સામે ત્રણ જેટલા ગુના
જેથી એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા ની રાહબરી હેઠળ પીએસઆઈ વી.કે.ઝાલા એએસઆઈ રાજેશભાઇ બાળા અને હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે આર્મ્સ એક્ટ, મારામારી, મીલકત સબંધી તથા દારૂના અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા આરોપી સંજયરાજ મહેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૩૨, ધંધો ટ્રાવેલ્સ, રહે. ૭/૧૬ કોર્નર, લક્ષ્મીવાડી, લક્ષ્મીવાડી મેઇન રોડ ને રેલનગરમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડ્યા બાદ તેને હથિયાર નવલનગરમાં રહેતા અને બીસીએનો અભ્યાસ કરતા ઋતુરાજ ચંદ્રસિંહ જાડેજા ઉ.વ 25 વાળાએ આપ્યું હોય એસઓજી બ્રાન્ચે ઋતુરાજને દેશી બનાવટના તમંચા તેમજ ત્રણ કાર્ટિસ મોબાઈલ સહિત 45,300ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી તપાસ કરતા તેની સામે ત્રણ જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજસીટોકના ગુનામાં જેલમાંથી 11 આરોપીનો કબજો લેવાયો
ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગના ગુનામાં જેલમાં રહેલા આરોપીઓ સામે ગુજસીટોકના ગુના નોંધી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો, જેમાં રાજપાલ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા હર્ષદીપ ઉર્ફે મેટીયો ઝાલા, પરીક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઇ બળદા, જીગ્નેશ ઉર્ફે ભયલો દીનેશભાઇ રાબા, પરીમલ ઉર્ફે પરીયો ત્રીભોવનભાઇ સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો સંજયભાઇ ટમટા, જૈવીક ઉર્ફે મોન્ટુ દીલીપભાઇ રોજાસરા, કમલેશ ઉર્ફે કમલો વજુભાઇ મેતા, સંજયરાજ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા, રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદભાઇ ગોહેલ, હીતેન્દ્ર ઉર્ફે હકો કડી ભુપતસિંહ જાડેજાના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.
લોકસાહિત્યકાર સ્વ.હરસુરભાઈ ગઢવીનો પૌત્ર પેંડા ગેંગનો સાગરીત!
ફાયરિંગ અને ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યા બાદ પેંડા ગેંગના જેલમાં ફાયરિંગના ગુનામાં રહેલા આરોપી નો કબજો ક્રાઈમ બાંચે મેળવ્યો હતો. તેમાં રાજકોટના ખ્યાતનામ લોકસાહિત્યકાર એવા હાસ્ય કલાકાર સ્વ. હરસુરભાઈ ગઢવીનો પૌત્ર એવો જીગ્નેશ ઉર્ફે ભયલો રાબા પણ પેંડાગેંગનો સાગરીત હોય ચકચાર જાગી છે.