BREAKING NEWS

મનપા, નપાના પદાધિકારીઓની વરણી માટે ત્રણ દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

  • May 04, 2026 09:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર
ગુજરાતમાં તાજેતરમાં વોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પરિણામો બાદ હવે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સત્તાના સૂત્રો કોણ સંભાળશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આવતીકાલથી પ્રદેશ ભાજપના મુખ્ય મથક શ્રી કમલમ ખાતે ત્રણ દિવસીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની મેરેથોન બેઠકને પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના પદો માટે આખરી નામો પર મહોર મારવામાં આવશે. આગામી ત્રણ દિવસ સુધી ચાલનારી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ ભાજપના સંગઠન મંત્રીઓ અને આમંત્રિત સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ગુજરાત ભાજપના પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી રત્નાકરજીની હાજરી પણ સૂચક માનવામાં આવી રહી છે. બેઠક દરમિયાન
રાજ્યના વિવિધ ઝોન અને જિલ્લાઓમાંથી આવેલા સૂચનો પર ઊંડાણપૂર્વક વિચારણા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પક્ષ દ્વારા અગાઉ તમામ જિલ્લાઓમાં નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. આ નિરીક્ષકોએ સ્થાનિક કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ અહેવાલ સુપ્રત કરવામાં આવશે. વિવિધ હોદ્દાઓ માટે તૈયાર કરવામાં આવેલી પેનલમાં સામેલ નામોની લાયકાત, અનુભવ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને અંતિમ પસંદગી કરવામાં આવશે.
પક્ષની પરંપરા મુજબ, પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા બાદ પસંદ કરાયેલા નામોની યાદી બંધ કવરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ નામોની સત્તાવાર જાહેરાત જે-તે સ્થાનિક સંસ્થાની સામાન્ય સભા દરમિયાન જ કરવામાં આવશે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પક્ષના મોવડી મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આખરી માનવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application