રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે તા.૧૮ ફેબ્રુઆરીને બુધવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને બજેટ બોર્ડ મળશે અને સંભવત: આ બોર્ડ મિટિંગ ચાલુ ટર્મ ૨૦૨૧-૨૦૨૬ની ટર્મની અંતિમ બોર્ડ મિટિંગ બની રહેશે. અલબત્ત બજેટ બોર્ડમાં ફક્ત બજેટ ઉપર જ ચર્ચા થતી હોય પ્રશ્નકાળ હોતો નથી. બીજી બાજુ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ મંજૂર કરેલા બજેટમાં મ્યુનિ. કમિશનરે સૂચવેલો વેરા વધારો સંપૂર્ણપણે ફગાવી દીધો હોય તેમજ મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજમાફી જેવી યોજના ૨૪ કલાકમાં અમલી બનાવી હોય હવે આ બજેટ બોર્ડમાં વિપક્ષ માટે વિરોધ કરવા જેવું ખાસ કંઇ રહ્યું નથી.
બજેટ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયા, ભાનુબેન સોરાણી, મકબુલ દાઉદાણી અને કોમલબેન રબારી સહિતના કોર્પોરેટરો બજેટમાં દર્શાવેલી સાતેક જેટલી પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) યોજનાઓ તેમજ બી.ઓ.ટી.(બિલ્ટ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર) ધોરણે નિર્માણ કરવામાં આવનાર આવાસ યોજનાઓ સહિતના પ્રોજેક્ટ્સ પ્રજાજનોથી વિશેષ બિલ્ડરોના લાભાર્થે મુકાયા હોવાના મામલે વિરોધ કરશે તેમ જાણવા મળે છે. આ ઉપરાંત ગત બજેટની અધૂરી યોજનાઓ, ગત બજેટમાં સમાવિષ્ટ કરાઇ હોય અને આગામી વર્ષના બજેટમાં પડતી મુકાઇ હોય તેવી યોજનાઓ તેમજ સાકાર ન થઇ શકે તેવી યોજનાઓના મુદ્દે સવાલો ઉઠાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બજેટ બોર્ડ મિટિંગએ ચાલું ટર્મ ૨૦૨૧-૨૦૨૬ની અંતિમ બોર્ડ મિટિંગ બની રહેશે, અલબત્ત મેયર ઇચ્છે તો ખાસ કિસ્સામાં બોર્ડ મિટિંગ બોલાવી શકે તેવી તેમને સત્તા છે. આગામી તા.૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થવા જઇ રહી છે.
બજેટ બોર્ડમાં રજૂ કરાયેલી ૧૧ દરખાસ્તો
(૧) રાજકોટ મહાપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર મંજુર કરવા
(૨) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા
(૩) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પાણી દર નિયત કરવા
(૪) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા
(૫) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા
(૬) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વાહન કર નિયત કરવા
(૭) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે થિએટર ટેક્ષ નિયત કરવા
(૮) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા
(૯) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા
(૧૦) નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા
(૧૧) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા બાબત.