BREAKING NEWS

જૂથવાઇઝ બેફામ લોબિંગ થતાં રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું, જાણો મામલો ગોટે ચડ્યાના કારણો

  • April 09, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ૧૦૧૮ દાવેદારોએ દાવેદારી નોંધાવ્યા બાદ વોર્ડવાઈઝ તમામ દાવેદારોનું લિસ્ટ પ્રદેશ સમક્ષ રજૂ કરાયું હતું, મોડામાં મોડું ગઇકાલ સુધીમાં રાજકોટના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઇ જવાનું હતું પરંતુ નામો અંગે સર્વસંમતિ થતી નહીં સધાતા મેરેથોન મિટિંગના અંતે પણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકાય નથી.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ભાજપના ટોચના નેતાઓ ગઇકાલથી ગાંધીનગરમાં છે. રાજકોટ મહાપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી ફાઇનલ કરવા માટે પ્રદેશના નેતાઓ સાથે સાંજે ૫:૩૦થી મિટિંગ શરૂ થઇ હતી જે રાત્રે ૧૧:૪૫ કલાક ચાલી હતી તેમ છતાં નામો ઉપર સર્વસંમતિ થઇ શકી ન હતી.


રાજકોટ ભાજપના તમામ જૂથ દ્વારા જૂથવાઇઝ બેફામ લોબિંગ શરૂ કરાતા કોકડું વધુ ગૂંચવાયું છે. મારા ઇ સારા નહીં, સારા ઇ મારા સૂત્રનો છેદ ઉડી ગયો છે અને દરેક નેતા પોતાના માનીતાઓ અને મળતીયાઓને ટિકિટ અપાવવા માટે ધમપછાડા કરી રહ્યા હોય સવા છ કલાક સુધી ચાલેલી મિટિંગના અંતે પણ કોઇ નિર્ણય થઇ શક્યો ન હતો.


દરમિયાન આજે સવારે આ લખાય છે ત્યારે ૧૦:૩૦ કલાકથી ફરી મિટિંગ શરૂ થઇ છે, જો બપોર સુધીમાં સર્વસંમતી સધાશે તો બપોરે ઉમેદવારોની યાદી જાહેર થશે અન્યથા આજે સાંજે કે રાત્રે યાદી જાહેર થાય તેવી શક્યતા છે.


ગઇકાલે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર થઇ જશે તેવી ધારણા હતી જેના કારણે દાવેદારોને અનેક દાવેદારો ગતરાત્રે ઉંઘી શક્યા ન હતા. પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ સતત એકબીજાને ફોન કરીને યાદી જાહેર થશે કે નહીં? તેની પૂછપરછ કરતા રહ્યા હતા.


ક્યા કારણોસર મામલો ગોટે ચડ્યો?

૧.નેતાઓની સારા નહીં મારાની જીદ, બેફામ જૂથવાદ

૨.દરેક વોર્ડમાં સ્થાનિકને જ ટિકિટનો પ્રદેશનો આગ્રહ

૩.અમુક વોર્ડમાં વોર્ડના મુખ્ય દાવેદાર દ્વારા પોતાની માંગણી મુજબના અન્ય ત્રણ ઉમેદવાર આપવા માંગ

૪. અમુક વોર્ડમાં અનામતના સમીકરણો ગોઠવાતા નથી.

૫. પક્ષના ક્રાઇટેરિયા મુજબના ઉમેદવારોની પેનલ મૂકે તો અમુક વોર્ડમાં સ્ટ્રોંગ પેનલ બનતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application