BREAKING NEWS

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપે વારસા કાર્ડ ખેલ્યુંઃ હર્ષદ પરમારને ટિકિટ આપી

  • March 30, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના રાજકારણમાં અત્યારે પેટાચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં આણંદ જિલ્લાની પ્રતિષ્ઠિત ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપ હાઈકમાન્ડે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ ગોવિંદભાઈ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.


ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું થોડા સમય પૂર્વે હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર કોને ટિકિટ મળશે તે અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. જોકે, ભાજપે સ્થાનિક સમીકરણો અને પરિવાર પ્રત્યેની સહાનુભૂતિને ધ્યાને રાખીને 'વારસા' કાર્ડ ખેલ્યું છે. હર્ષદ પરમારને મેદાનમાં ઉતારીને ભાજપ ગોવિંદભાઈએ કરેલા કાર્યો અને તેમના પ્રત્યેના લોકજુવાળનો લાભ લેવા માંગે છે.


આણંદ જિલ્લો વર્ષોથી રાજકીય રીતે અત્યંત સક્રિય રહ્યો છે અને તેમાં પણ ઉમરેઠ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. હર્ષદ પરમારના નામની જાહેરાત થતા જ ઉમરેઠ પંથકના ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પેટાચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મતદાન મથકોની યાદીથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીના તમામ આયોજનો પૂર્ણતાના આરે છે.

પિતાના અવસાન બાદ ખાલી પડેલી બેઠકને જાળવી રાખવી એ હર્ષદ પરમાર માટે એક મોટો પડકાર હશે. જોકે, તેમને પક્ષના સંગઠનનો અને પિતાના વિશાળ જનસંપર્કનો સીધો ફાયદો મળે તેમ દેખાઈ રહ્યું છે. ભાજપ આ બેઠક જીતીને જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના ઇરાદે મેદાનમાં ઉતર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application