BREAKING NEWS

ચાર મેયર આપનાર વોર્ડ નં.૧૪માં ભાજપ ચહેરા બદલશે, સામાન્ય બેઠક ઉપરથી અન્યોને લડાવવા સામે વિરોધ

  • March 31, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૭,૬૨૫ની જનસંખ્યા અને ૪૯,૨૭૧ મતદારો ધરાવતા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં આગામી ચૂંટણીમાં ભાજપ ચહેરા બદલશે તે નક્કી છે. હાલ સુધીમાં રાજકોટ શહેરને ઉદય કાનગડ, અશોક ડાંગર, રક્ષાબેન બોળીયા અને ડો.જૈમન ઉપાધ્યાય સહિત ચાર ચાર મેયરની ભેટ આપનાર વોર્ડ નં.૧૪માં પણ અનામતના રોટેશને સમીકરણો બદલ્યા છે, જેના કારણે આ વોર્ડમાં પણ ભાજપ કુલ ચારમાંથી બે થી ત્રણ ચહેરા બદલશે તેવી ચર્ચા છે.


વોર્ડ નં.૧૪માં ભાજપના સિટિંગ કોર્પોરેટર લેઉવા પાટીદાર સમાજના કેતનભાઇ ઠુંમર, આહિર સમાજમાંથી નિલેશભાઈ જલુ, સોની સમાજમાંથી વર્ષાબેન રાણપરા અને એસસી મહિલા અનામત બેઠક ઉપરથી ભારતીબેન મકવાણા ચૂંટાયેલા છે. અનામતના રોટેશન બાદ અહીં સ્થિતિ એવી થઇ છે કે હાલ ઓબીસી કોર્પોરેટર તરીકે નિલેશભાઈ જલુ હતા પરંતુ હવે ઓબીસી સ્ત્રી અનામત આવતા તેમના મામલે અનિશ્ચિતતા સર્જાઇ છે.જ્યારે એસસી મહિલા અનામત બેઠક ઉપર ભારતીબેન મકવાણા ચૂંટાયા હતા પરંતુ નવા રોટેશનમાં એસસી મહિલા અનામતને બદલે ઓબીસી મહિલા અનામત આવતા હવે તેઓ પણ આ વોર્ડમાં લડી શકશે નહીં. વર્ષાબેન રાણપરાની ઉંમર ૬૩ વર્ષ થતા તેમને પક્ષે નક્કી કરેલો ૬૦ વર્ષની વય મર્યાદાનો ક્રાઇટેરિયા નડશે. જ્યારે પક્ષ ઇચ્છે તો કદાચ આ વોર્ડમાં બે ટર્મ ચૂંટાયેલા કેતન પટેલને રિપિટ કરી શકે છે તેવું મનાય રહ્યું છે. આ વોર્ડમાં એક મહિલા અને બે પુરુષ તેમ કુલ ત્રણ સામાન્ય બેઠકો આવતા સામાન્ય બેઠક ઉપરથી અન્ય ઉમેદવારોને લડાવાશે તેવી વાત વહેતી થતા ભાજપના જ વર્તુળો અને સામાન્ય વર્ગના દાવેદારોમાં નારાજગીની લાગણી પ્રસરી જવા પામી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં એક સમયે લેઉવા પાટીદારોની વિશાળ વસ્તી હતી પરંતુ સમયાંતરે આ વિસ્તારના પાટીદારો પશ્ચિમ રાજકોટમાં સ્થાયી થતા વસ્તી ઘટી છે તેમ છતાં નોંધપાત્ર ઉપસ્થિતિ રહી છે.


તદ્ઉપરાંત સમગ્ર રાજકોટમાં આ એક જ વોર્ડ એવો છે કે જ્યાંથી ભાજપ પરંપરાગત રીતે એક ટિકિટ સોની સમાજના ઉમેદવારને વર્ષોથી આપે છે. અગાઉ વર્ષો સુધી આ વોર્ડમાંથી લાલુભાઇ પારેખ ચૂંટાતા હતા. આ વોર્ડમાંથી સોની સમાજનું પણ મોટા પાયે પશ્ચિમ રાજકોટ વિસ્તારમાં સ્થળાંતર થયું છે તેમ છતાં સમગ્ર શહેરમાં આ એક માત્ર એવો વોર્ડ છે કે જેમાં સોની સમાજના મતદારોની નોંધપાત્ર ઉપસ્થિતિ છે.


વોર્ડ નં.૧૪ના મુખ્ય વિસ્તારો

કેનાલ રોડ, મિલપરા, ગુંદાવાડી, કેવડાવાડી, લક્ષ્મીવાડી, જયરાજ પ્લોટ, હાથીખાના, પેલેસ રોડ, જિલ્લા ગાર્ડન, કુંભારવાડા, રામનાથપરા પોલીસ લાઇન, ૮૦ ફૂટ રોડ, પૂજારા પ્લોટ, કોઠારીયા કોલોની, વાણીયાવાડી, સોરઠીયાવાડી, પવનસુત ચોક, પલંગ ચોક, ભક્તિનગર સોસાયટી, ધર્મજીવન સોસાયટી, શ્રમજીવી સોસાયટી, ગીતાંજલિ સોસાયટી, ગાયત્રીનગર, ગોપાલ નગર, નારાયણ નગર, પારડી રોડ, આનંદનગર, નીલકંઠ સિનેમા વિસ્તાર


વોર્ડ નં.૧૪ના મતદારો, જ્ઞાતિનું ગણિત

રાજકીય કાર્યકરોના સર્વે મુજબ વોર્ડ નં.૧૪માં લેઉવા પાટીદાર સમાજના અંદાજે ૧૦ હજાર મતદારો, સોની સમાજના અંદાજે આઠ હજાર મતદારો, બ્રહ્મ સમાજ અંદાજે સાત હજાર મતદારો, કડિયા સમાજના અંદાજે ચાર હજાર મતદારો, કુંભાર સમાજ અંદાજે બે હજાર મતદારો આહિર સમાજના અંદાજે ૨૫૦૦ મતદારો, ક્ષત્રિય સમાજના અંદાજે ૨૦૦૦ મતદારો, રજપૂત સમાજના અંદાજે ૧૨૦૦ મતદારો, લોહાણા સમાજના અંદાજે ત્રણ હજાર મતદારો, જૈન વણિક અંદાજે ૧,૨૦૦ મતદારો, દલિત સમાજ અંદાજે ૨,૫૦૦ મતદારો, મુસ્લિમ સમાજ અંદાજે બે હજાર મતદારો


વોર્ડ નં.૧૪નું અનામત રોટેશન

વોર્ડ નં.૧૪માં અનામત રોટેશન અનુસાર આગામી ચૂંટણીમાં પહેલી બેઠક ઓબીસી સ્ત્રી અનામત, બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત, ત્રીજી બેઠક સામાન્ય પુરુષ અનામત અને ચોથી બેઠક સામાન્ય પુરુષ અનામત લાગુ કરાઈ છે.


ગત ચૂંટણીમાં ૪૮.૨૮ ટકા મતદાન

રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ નં.૧૪માં કુલ ૬૦,૫૮૧ મતદારોમાંથી ૨૯,૨૫૧ મતદારોએ મતદાન કરતા ૪૮.૨૮ ટકા મતદાન નોંધાયું હતું.


SIR પછી ૧૧,૩૧૦ મતદારોનો ઘટાડો

વોર્ડ નં.૧૪માં કુલ ૪૯,૨૭૧ મતદારો છે જેમાં ૨૫,૩૪૭ પુરુષ, ૨૩,૯૨૨ સ્ત્રી અને બે અન્ય જાતિના મતદારો છે. ૨૦૨૧માં યોજાયેલી ગત ચૂંટણીમાં ૬૦,૫૮૧ મતદારો હતા. એકંદરે એસ.આઇ.આર પછી આ વોર્ડમાં મતદારોની સંખ્યામાં ૧૧,૩૧૦નો ઘટાડો થયો છે. અહીં મતદારોની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ લેઉવા પાટીદાર, સોની અને લોહાણા સમાજના મતદારોનું પશ્ચિમ રાજકોટમાં થયેલું સ્થળાંતર હોવાનું મનાય રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application