BREAKING NEWS

પાટનગરમાં કેસરિયો લહેરાયોઃ ઓખા અને થરા નગરપાલિકામાં પણ ભાજપનો વિજય, જાણો કોને કેટલી બેઠક મળી

  • October 13, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર એક, છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચાર અને બાયડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જેના પણ આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ગાંધીનગર મનપા, થરા નગરપાલિકા અને ઓખા નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની 38, કોંગ્રેસની પાંચ અને અપક્ષની એક બેઠક પર જીત થઈ છે. 

ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર 2માં ભાજપને 3 બેઠકો મળી છે અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર સાતમાં ભાજપને ત્રણ બેઠકો અને કોંગ્રેસને એક બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર છમાં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ ચાર બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી.

ઓખા નગરપાલિકા ચૂંટણીના પરિણામોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર વિજય મેળવ્યો છે. આ વિજય સાથે જ ઓખા નગરપાલિકા પર ભાજપે પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે અને સત્તાની કમાન પોતાના હાથમાં જાળવી રાખી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવીને નગરપાલિકા પર પોતાનો કબજો જમાવ્યો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. ભાજપના આ શાનદાર પ્રદર્શનથી પક્ષની છાવણીમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વોર્ડ નંબર એક, બે, ત્રણ અને ચારમાં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. આ ઉપરાંત, વોર્ડ નંબર પાંચ, છ, આઠ અને નવમાં પણ ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવીને પેનલ ટુ પેનલ વિજય સર કર્યો છે.

બીજી તરફ, વોર્ડ નંબર સાતમાં ટક્કર જોવા મળી હતી, જ્યાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવવામાં સફળતા મેળવી છે. આ વોર્ડમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો અને ભાજપના એક ઉમેદવારનો વિજય થયો છે. એકંદરે, ઓખા નગરપાલિકામાં ભાજપની પેનલોનો વિજય થતાં જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો હતો અને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભાજપે નગરપાલિકા પર પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે. થરા નગરપાલિકાના કુલ છ વોર્ડની ૨૪ બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે ૧૯ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસના ફાળે પાંચ બેઠકો આવી છે.

ચૂંટણીના પરિણામોના આંકડાકીય વિશ્લેષણ મુજબ, ભાજપે વોર્ડ એક, ત્રણ, ચાર અને પાંચની તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરીને જીત હાંસલ કરી છે. બીજી તરફ, વોર્ડ નંબર છમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના તમામ ચારેય ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર બેમાં ભાજપે ત્રણ બેઠકો મેળવી હતી, જ્યારે એક બેઠક કોંગ્રેસે જીતી હતી. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થયો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સતત બીજી વખત પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી એક પણ મત નોંધાયો નહોતો.

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ વિજય મેળવતાં કોંગ્રેસ થોરીયાળી બેઠક જાળવવામાં સફળ રહી છે. બીજી તરફ છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં. ચારની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રજનીબેન રાઠવાનો વિજય થયો છે. રાજકોટ જિલ્લાના થોરીયાળી-ખોડાપીપર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાનો વિજય થયો છે. આ જીત સાથે કોંગ્રેસે વર્ષોથી આ બેઠક પર જાળવી રાખેલો પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરૂ કંડોરિયાનો વિજય થયો છે. તેમણે 3,651 મતોની લીડથી જીત મેળવી છે.

છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-ચારમાં યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપે જીત મેળવી છે. ભાજપનાં મહિલા ઉમેદવાર રજનીબેન જયદીપભાઈ રાઠવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હરાવી 752 મતની સરસાઈથી વિજય મેળવ્યો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application