વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જોકે કેટલાક વોર્ડમાં વિપક્ષ અને અપક્ષે ભાજપના વિજય રથને રોકવાનો પ્રયાસ કર્યો છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં જાહેર થયેલા 13 વોર્ડના પરિણામો મુજબ, ભાજપ 46 બેઠકો સાથે મજબૂત સ્થિતિમાં છે, જ્યારે કોંગ્રેસે 5 અને અપક્ષે 1 બેઠક પર જીત મેળવી છે. કુલ 19 વોર્ડની 76 બેઠકો પૈકી હજુ 6 વોર્ડના પરિણામોની રાહ જોવાઈ રહી છે.
આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર વોર્ડ નંબર 1માં જોવા મળ્યો છે. વર્ષ 2021માં કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં ભાજપ અને અપક્ષે ગાબડું પાડ્યું છે. ભાજપના કુંદનબહેન ટેલર અને ભુરસીંગ રાઠવા વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીબહેન રાવતનો આઘાતજનક પરાજય થયો છે. અહીં કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર હરીશ પટેલે અપક્ષ તરીકે લડીને સૌથી વધુ 13,372 મતો સાથે ભવ્ય જીત મેળવી પક્ષને મોટો આંચકો આપ્યો છે. કોંગ્રેસ તરફથી માત્ર પુષ્પાબહેન વાઘેલા પોતાની બેઠક જાળવી શક્યા છે.
વોર્ડ નંબર 14માં પણ ભારે રસાકસી જોવા મળી હતી, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની સમાન વહેંચણી થઈ છે. અહીં બંને પક્ષે 2-2 બેઠકો પર જીત મેળવી છે, જેમાં કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ વિજેતા જાહેર થયા છે.
વડોદરામાં ભાજપની પેનલ તોડવામાં કોંગ્રેસ અને અપક્ષ સફળ રહ્યા છે, જે સૂચવે છે કે સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવારોની પસંદગીમાં મતદારોએ સભાનતા દાખવી છે. ખાસ કરીને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ટિકિટ વહેંચણીના વિવાદો પક્ષને ભારે પડ્યા હોય તેમ જણાય છે. હવે જ્યારે 6 વોર્ડના પરિણામો બાકી છે, ત્યારે ભાજપ પોતાની બેઠકોની સંખ્યા કેટલી વધારે છે અને વિપક્ષ કેટલી ટક્કર આપી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.