ગુજરાતમાં હાલ એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બીએલઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ એસઆઈઆરની કામગીરીથી કંટાળીને કોડીનારના છારા ગામમાં શિક્ષકની ફરજ બજાવતા અને બીએલઓએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. બીએલઓએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સુસાઈડ નોટ બીએલઓએ પોતાની પત્નીને સંબોધીને લખી છે.
બીએલઓએ લખેલી સુસાઇડ નોટ
પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે. એમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે, એ સ્કૂલે આપી દેજે. આઈ એમ વેરી સોરી માય ડીયર વાઈફ સંગીતા એન્ડ માય લવિંગ ડીયર સન ક્રિશય.
ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
મળતી માહિતી મુજબ, કોડીનારના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેર (ઉં.વ.40)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે આ પગલું ભર્યું હતું.
પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆર કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદ વાઢેર છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને
એક શિક્ષકે આત્મહત્યા કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. શિક્ષકના આત્મહત્યાની ઘટનાને દુઃખદ ગણવામાં આવી છે. જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં અને મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે અને જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર પાઠવ્યું છે.
કોડીનારમાં તેમની ખૂબ સારા શિક્ષક તરીકેની છાપ હતી
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ વિનોદ બારડે જણાવ્યું હતું કે એસઆઈઆરની કામગીરીના મહત્તમ ભારણના કારણે કોડીનારની છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઇએ આત્મહત્યા કરી લીધી છે. તેઓ દેવળી ગામના વતની હતા. આખા કોડીનારમાં તેમની ખૂબ સારા શિક્ષક તરીકેની છાપ હતી.
રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા
આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલની સ્થિતિ એવી છે કે, એસઆઈઆરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે. એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.