જામનગર શહેરમાં લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે તા.૪ નવેમ્બરથી ૪ ડીસેમ્બર સુધી અલગ-અલગ તબકકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે, તા.૨૨ અને ૨૩ દરમ્યાન સવારે ૯ થી બપોરે ૧ સુધી સંબંધીત ભાગના બુથ લેવલ ઓફીસર તેમના મતદાન મથકે હાજર રહેશે, બાકી રહેલા મતદારોએ આ સમય દરમ્યાન બીએલઓની મદદથી મેપીંગ અને લીંકીંગ કરાવી શકશે તેમ જિલ્લા કલેકટર કેતન ઠકકરે આજે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, જામનગર જિલ્લામાં જે જે વિસ્તારમાં મતદાર યાદી સુધારણા ફોર્મ મળ્યા નથી તેઓને તાત્કાલીક અસરથી ફોર્મ ઘેર-ઘેર પહોંચાડવા સુચના આપી દેવામાં આવશે, તા.૪ નવેમ્બરથી ૪ ડીસેમ્બરના સમયમાં તબકકાવાઇસ ફોર્મ ભરીને ગણતરી કરાશે, જામનગર જિલ્લામાં ૫ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવેશ ૧૨૪૨ ભાગના ગણતરી ફોર્મ ઇએફના વિતરણની કામગીરી ચાલું છે અને ગઇકાલ સાંજ સુધી ૮૨.૦૮ ટકા ફોર્મનું વિતરણ થયું છે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, એસઆઇઆરની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે બીએલઓને મદદ કરવા અન્ય કચેરીના કર્મચારીઓની સ્વયંસેવક તરીકે નિમણુંક કરવામાં આવેલ છે, બીએલઓ દ્વારા ગણતરીના સમયગાળા દરમ્યાન ત્રણ વખત મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે. મતદાર બીએલઓનો ફોનથી સંપર્ક કરી શકે તે માટે વોર્ટસ ઇસીઆઇ ગર્વમેન્ટ ઇન પરથી બુક એ કોલ વિથ બીએલઓનો ઉપયોગ વિકલ્પ તરીકે કરી શકશે, જો કોઇ મતદારે ઓનલાઇન એન્યુમેરેશન ફોર્મ ભરવું હોય તો વોટર્સ સર્વિસ પોર્ટલ (વોટર્સ ડોટ ઇસીઆઇ ડોટ જીઓવી ડોટ ઇન ) પર ભરી શકાશે, આ પત્રકાર પરીષદમાં અધિક કલેકટર ભાવેશ ખેર તેમજ ચૂંટણી શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતાં.