BREAKING NEWS

જાણ બહાર કાગળમાં સહી કરાવી તલ્લાકની ફરિયાદમાં પકડાયેલા પતિના જામીન મંજૂર

  • December 26, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રીસામણે ગયેલી મુસ્લિમ પરિણીતાની જાણ બહાર તલ્લાકનામામાં સહી કરાવી તલ્લાક આપી દેવાની મુસ્લિમ વુમન પ્રોટેક્શન એક્ટ હેઠળની ફરિયાદ મામલે પકડાયેલા પતિની જામીન અરજી અદાલત દ્વારા મંજુર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટનાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા સુમૈયાબેન મહેબુબભાઈ ફુલાણીના નિકાહ ભગવતીપરામાં રહેતા મોહમદખાલીદ સીરમાણી સાથે થયા હતા, બાદ સુમૈયાબેનને તેના પતિ, સાસુ અને નણંદો ઘરકામ બાબતે મેણા-ટોણા મારી, ખોટી શંકા કરી, ઝઘડો કરી, માર મારીને ત્રાસ આપતા હતા. જેથી તેઓ તા.૦૭/ ૦૫/ ૨૦૨૫નાં રોજ તેના ઘરેથી ચીઠ્ઠી લખીને નીકળી ચોટીલા ગયેલા. ત્યારબાદ તા.૦૮/ ૦૫/ ૨૦૨૫નાં રોજ ધાંગધ્રા મુકામે તેના પતિ અને નણંદે તેમની જાણ બહાર તલ્લાકનામું તૈયાર કરાવી તેમની માનસીક સ્થિતિ સારી ન હોય તૈયાર તલ્લાકનામામાં તેમની સહી લઈ લીધેલ. જે કાગળ તા.૦૯/ ૦૫/ ૨૦૨૫નાં રોજ વાંચતા તલ્લાકનાં કાગળ હોય સમૈયાબેને રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ વુમન પ્રોટેકશન એકટ તથા બી.એન.એસ.અધિનિયમ નીચે તેના પતિ અને સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી રાજકોટ કોર્ટમાં રજુ કરેલ. આરોપી તરફે તેના વકીલ મહમદહનીફ કટારીયાએ મુસ્લિમ શરિયતને ટાંકીને એવો મુદો ઉપસ્થિત કર્યો હતો કે તલ્લાકમાં તલ્લાક- ઉલ- બિદઅત, તલ્લાકે- અહસન વિગેરે ઘણા પ્રકાર છે. ફરીયાદીનું વર્તન જોતા તે પોતે સંમતિથી તલ્લાક લેવા માંગતી હોય તેવું તેની ચિઠ્ઠીમાંથી જણાઈ આવે છે. જેથી હાલની ફરિયાદ તલ્લાક તલ્લાક- ઉલ- બિદઅતમાં આવતી નથી, આ ઉપરાંત મુસ્લિમ શરિયત મુજબ અદાલતનું ધ્યાન દોયું હતું કે મુસ્લિમ શરિયતમાં ખુલા અને મુબારત તલ્લાકનો ઉલ્લેખ છે. ખુલા એટલે લગ્નનાં કરારનો અંત, જયારે મુબારત એટલે બંનેની સહમતીથી લગ્નજીવનનો અંત. હાલનો કેસ મુબારત તલ્લાકમાં આવે છે. અદાલતે આ શરીયતનાં મુદ્દાને લક્ષ્યમાં લઈ આરોપીની જામીનઅરજી મંજૂર કરી છે. આ કામમાં આરોપી તરફે વકીલ મહમદહનીફ જી. કટારીયા, રવિરાજસિંહ એચ. વેગડ, અજય એન. ચાંપાનેરી, શબનમ એચ. તેરવાડીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application