આગામી હોળી- ધૂળેટી પર્વને લઇ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ધૂળેટી પર્વ દરમિયાન જાહેરમાં કોઇ પર કલર ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આગામી તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ હોળી તથા તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે. આ ધાર્મિક તેમજ સામાજિક પર્વની ઉજવણી રાજકોટ શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે. આ ઉત્સવમાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓએ જતાં આવતા સહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો, કે તૈલી વસ્તુઓ ફેંકતાં હોય છે જેને લીધે જાહેર રસ્તાઓ-શેરીઓ- ગલીઓમાં ચાલતા જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની તેમજ જાહેર સલામતી જોખમાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવી શકયતા નકારી શકાય નહીં.
રાજકોટ શહેરની વર્તમાન પરીસ્થિતિને લક્ષમાં લઈ સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. આ હોળી પર્વની ઉજવણી શાંતી અને કોમી એખલાશભર્યા વાતાવરણમાં થાય અને જાહેર સલામતી તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ,હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન કોઈપણ પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકોએ જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓ ઉપર આવતાં જતાં રાહદારીઓ ઉપર અથવા મિલ્કતો, વાહનો ઉપર અથવા વાહનોમાં જતાં માણસો ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહીં અને તે માટેના સાધનો પોતાની સાથે લઈ જાહેર જગ્યાઓ પર નિકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા પર તેમજ બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર આવતાં જતાં રાહદારીઓને તથા વાહનોને રોકવા પર પ્રતિબંધ છે.
જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહીં કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનુ વર્તન કરવુ નહીં. જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિ તેમજ ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામુ તા. ૨/૩/૨૦૨૬ થી તા.૪/૩/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.