BREAKING NEWS

અમદાવાદમાં જાહેરાતોના નવા હોર્ડિંગ પાસે ઘટાદાર વૃક્ષો વાવવા પર પ્રતિબંધ, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

  • October 09, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરમાં હોર્ડિંગ્સ દેખાડવા માટે વૃક્ષોનું આડેધડ ટ્રીમિંગ કરવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. આ વિવાદ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી  બેઠકમાં નવા હોર્ડિંગ્સની આસપાસ મોટા વૃક્ષો વાવવા પર સીધી મનાઈ ફરમાવતો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ રસ્તાઓ અને ડિવાઇડર પરના વૃક્ષોને બુઠ્ઠા કરી દેવા બદલ જાહેરાતની એજન્સી સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ઉકેલ સ્વરૂપે તંત્ર હવે આ નવો નિયમ લઈને આવ્યું છે.

સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે જ્યાં પણ નવા હોર્ડિંગ્સ લગાવવાના હોય તેની આસપાસ મોટા વૃક્ષો વાવા પર પ્રતિબંધ રહેશે અને માત્ર નાની ઊંચાઈના અમુક છોડ કે વૃક્ષો જ વાવી શકાશે. શહેરમાં શાહીબાગ, એરપોર્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા મુખ્ય અને પોશ રસ્તાઓ પર દર 100થી 200 મીટરના અંતરે હોર્ડિંગ્સ આવેલા છે. ત્યારે જો હોર્ડિંગ્સની આસપાસ મોટા વૃક્ષો નહીં વાવી શકાય, તો પર્યાવરણ માટે જરૂરી વૃક્ષો વાવવા ક્યાં? તેવો ગંભીર સવાલ આક્ષેપો સાથે ઊભો થયો છે.

બીજી બાજુ, સાબરમતી રિવરફ્રન્ટ પર સુભાષ બ્રિજ પાસે પડેલા કાટમાળ તેમજ ઠેર-ઠેર ફેલાયેલી ગંદકીને લઈને તંત્ર સખત બન્યું છે. રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરીની જવાબદારી સંભાળતી હેતંરજ એજન્સીની કામગીરીમાં બેદરકારી સામે આવતા તેને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, નાગરિકો માટે એક રાહતરૂપ જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે હવે ઘર કે સોસાયટીમાં વૃક્ષોનું ટ્રીમિંગ કરાવવા માટેનો ચાર્જ ભરવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જેથી રૂ. ૨૦૦નો ચાર્જ ભરવા માટે નાગરિકોએ હવે સિવિલ સેન્ટર સુધી લાંબા થવું પડશે નહીં.

બેઠકમાં અન્ય મહત્વના નિર્ણયો લેતા જણાવવામાં આવ્યું કે, વર્ષ ૨૦૨૩માં સબ ડિવિઝન ઓફિસ બનાવવા માટે અગાણજ અને મોટેરા ખાતે ફાળવવામાં આવેલા આશરે રૂ. ૫૦ કરોડની કિંમતના પ્લોટની રકમ યુજીવીસીએલ દ્વારા ચૂકવવામાં આવી નહોતી. સમયસર નાણાં ન ચૂકવાતા આ બંને પ્લોટ મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાછા લઈ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, આવા અન્ય પ્લોટ કે જેની રકમ હજુ સુધી ચૂકવાઈ નથી, તેમની યાદી તૈયાર કરીને તમામ પ્લોટ પરત મેળવવાની કડક કાર્યવાહી કરવા એસ્ટેટ વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે. શહેરમાં આવેલી કુલ ૨૪૩ પાણીની ટાંકીઓમાંથી છેલ્લા છ મહિનામાં માત્ર ૯૬ ટાંકીઓની જ સફાઈ થઈ હોવાની ગંભીર બાબત સામે આવતા, બાકી રહેલી તમામ પાણીની ટાંકીઓની નિયમિત અને સમયસર સફાઈ કરવા માટે પણ સખત તાકીદ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application