BREAKING NEWS

જામનગર જિલ્લામાં ચાઈનીઝ દોરા તથા તુક્કલના ઉત્પાદન, ઉપયોગ તથા વેચાણ પર પ્રતિબંધ

  • January 03, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

આગામી તા.૧૪/૦૧/૨૦૨૬ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે. મકરસંક્રાંતિ દરમિયાન જામનગર જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગો ઉડાવે છે. પતંગના દોરાઓ સાથે પશુ-પંખીઓ ફસાઈને ઘાયલ થતા હોય છે. તેમજ ઓડિયો મેગ્નેટિક ટેપની મદદથી પાવર લાઈનની નજીક પતંગ ઉડાડતી વખતે જાહેર જનતા સાથે વિદ્યુત અકસ્માત થવાની પણ સંભાવના રહે છે. પતંગ ઉડાડવાના હેતુથી ચાઈનીઝ તુક્કલ/ લેન્ટર્ન, ચાઈનીઝ માંઝા, કાચ કોટેડ દોરી, સિન્થેટિક કોટિંગવાળી દોરી, નાયલોન દોરી વગેરેના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તા.૨૭-૧-૨૦૨૬ સુધી અમલી જાહેરનામાં મુજબ, 

1. ચાયનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાયનીઝ માંઝા, કાચ કોટેડ દોરીનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરી શકાશે નહીંતેમજ દોરી બનાવવા માટે પ્લાસ્ટીક, સીન્થેટીક કે ટોક્ષીક મટીરીયલનો ઉપયોગ કરી શકાશે નહીં.
2. પતંગ ઉડાડવાની દોરીને લોખંડ પાવડર કે કાચથી કોટીંગ કરી શકાશે નહીં.
3. મેટાલીક દોરાઓ, ઓડિઓ મેગ્નેટિક ટેપ તથા પ્લાસ્ટીક એર બલૂન કે જે વિદ્યુત વાહક છે તનો ઉપયોગ કરી શકાશે નહીં.
4. કોઇ પણ ચીજ-વસ્તુ કે જે પતંગ ઉડાડવા વપરાશમાં આવતી હોય જેનાથી વિદ્યુત અકસ્માત થવાની કે પછી પશુ-પક્ષી અને માનવના જાન-માલને હાની થવાની સંભાવના હોય તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

પતંગ ઉડાડવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકોની મદદથી કાચના પાવડરનું કોટીંગ કરેલી ઓછી તીક્ષ્ણ-શક્તિ ધરાવતી કોટનની દોરી જે સંપૂર્ણપણે તૂટી શકે તેમ હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય જેની બનાવટમાં તમામ બાયો-ડિગ્રેડેબલ ઘટકોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવી દોરીનો ઉપયોગ કરી શકાશે.

એવી દોરી કે જેના તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થોના ઉપયોગથી બનેલ છે તેનો ઉપયોગ કરી શકાશે.

કોટનની દોરી કે જેના કોટીંગ માટે ૧૦% થી વધુ કાચના પાવડરનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરી શકાશે.
​​​​​​​

ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોય શકે તથા કાચનો પાઉડર જે કોટીંગ પદાર્થનો ૧૦%, હોઇ શકે છે. પરંતુ તે કોટનના માંજાના ફૂલ વજનના ૦.૫% થી વધુ ન હોય તેવી કોટનની દોરી વાપરી શકાશે.

આ પ્રતિબંધોનો હેતુ માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા તથા પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી (ઈ.ચા.) એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application