BREAKING NEWS

ગુજરાતમાં પડતર દિવસે બેંકોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ, બોમ્બ-ડોગ સ્ક્વોડમાં દોડધામ

  • November 09, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ત્રણ મોટા શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં એકસાથે બેંકો અને મેટ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરતની બેંક ઓફ બરોડા, વડોદરાની બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા તેમજ અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓને નિશાન બનાવીને આ ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા આ મેઈલ મળતાની સાથે જ બંને શહેરોની બેંકો ખાલી કરાવીને ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને પોલીસ કાફલો સઘન તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયો હતો.


અમદાવાદમાં બેંક ઓફ ઈન્ડિયાની નવરંગપુરા બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેમાં આગામી ૨૧મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર દિલજીત દોસાંઝના કોન્સર્ટ અને મેટ્રોમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ, સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાના સત્તાવાર ઈમેઈલ પર પણ આ પ્રકારનો ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. બેંક સંચાલકો દ્વારા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ, ડોગ અને બોમ્બ સ્કવોડની ટીમોએ બેંકના ખૂણે-ખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને સ્ટાફને સુરક્ષિત બહાર ખસેડ્યો હતો.

વડોદરા શહેરમાં પણ રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ સ્થિત સૂરજ પ્લાઝામાં આવેલી બેંક ઓફ બરોડાને આ પ્રકારે નિશાન બનાવાયા હતા. બેંક ઓફ બરોડાના મેનેજર એસ.કે. ત્યાગીએ જણાવ્યું હતું કે મેઈલ મળતા જ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક સ્ટાફને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીસીપી ઝોન ૧ ડૉ. જે.એમ. ચાવડાએ વિગતો આપતા જણાવ્યું કે આ મેઈલ 'સીરા કોન્તે' (Sira Conte) નામના વ્યક્તિના conte734@gmail.com આઈડીથી મોકલવામાં આવ્યો છે.

આ વાંધાજનક અને ગંભીર ઈમેઈલનો અભ્યાસ કરતા તેમાં આગામી તારીખોનો ઉલ્લેખ છે, જેમાં ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ૨૭ તારીખે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ખાતે વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત મેઈલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા' જેવા સંગઠનોના નામનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે. આ તમામ બાબતોને અત્યંત ગંભીરતાથી લઈને સાયબર ક્રાઈમ અને પોલીસની વિવિધ ટીમો દ્વારા ઈમેઈલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application