પતંગ પર્વ ઉતરાયણ નિમિત્તે લોકોમાં પતંગબાજીના ઉત્સાહને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા જનતાની સુરક્ષા માટે એક વિશેષ અપીલ જારી કરવામાં આવી છે.
જેમાં ચેતવણી આપવામાં આવી છે કે, રાજકોટ રેલવે ડિવિઝનના તમામ રેલવે સેક્શનમાં વીજળી દોડી રહી છે. આ ટ્રેનોના સંચાલન માટે ૨૫,૦૦૦ વોલ્ટની હાઈ-વોલ્ટેજ ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનો કાર્યરત છે, જે અત્યંત સંવેદનશીલ અને જોખમી છે. ત્યારે પતંગ ઉડાવતી વખતે દોરી આ વાયરોમાં ફસાઈ જાય છે. કેટલાક દોરા (માંજા)માં ધાતુના અંશ અથવા ભેજ હોવાને કારણે, તેમાંથી વીજળીનો કરંટ નીચે સુધી આવી શકે છે. આ પરિસ્થિતિ માત્ર પતંગ ઉડાવનારાઓ માટે જ નહીં, પરંતુ રેલવે ટ્રેક નજીકથી પસાર થતા લોકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
આથી સુરક્ષા અને કાયદાને ધ્યાનમાં રાખીને...
1) રેલવે ટ્રેકની આસપાસ પતંગ ન ઉડાવવી. ટ્રેક નજીકથી ચાલવું પણ નહીં.
૨) જો કોઈ પતંગ કે દોરી હાઈ-વોલ્ટેજ વાયરોમાં ફસાઈ જાય, તો તેને કાઢવા માટે કોઈ સળિયો, લાકડી કે અન્ય સાધનનો ઉપયોગ ક્યારેય કરશો નહીં.
૩) વાલીઓએ ખાસ ધ્યાન આપવું કે પતંગ પકડવાની લાલચમાં બાળકો રેલવે ટ્રેક તરફ ન દોડે.
૪) ટ્રેક પર કામ કરતા ઓન ડ્યુટી રેલવે કર્મચારીઓ માટે પણ આ ફસાયેલા દોરા સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ખતરો પેદા કરે છે. આથી રેલવે પરિસરમાં સુરક્ષિત વાતાવરણ જાળવવામાં મદદરૂપ થઇ ખુદ અને અન્ય ઉપર જાનનું જોખમ ટાળવા રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.