BREAKING NEWS

દિવાળીના પાંચ દિવસના પર્વમાં ભાઈબીજનું વિશેષ મહત્વ, યમ દ્વિતીયા તરીકે પણ થાય છે ઓળખ

  • November 11, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્ત્વના પર્વોમાંનો એક છે. ધનતેરસથી શરૂ થતો પાંચ દિવસનો આ ઉત્સવ ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ જેવા પર્વો દરમિયાન લોકો પરિવાર સાથે મળીને ખુશીઓ વહેંચે છે. આ પાંચ દિવસના ઉત્સવમાં ભાઈબીજનું પણ વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ રહેલું છે.

ભાઈબીજ ભાઈ અને બહેન વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક છે. આ તહેવાર નવા વિક્રમ સંવતના બીજા દિવસે એટલે કે કારતક સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈબીજને 'યમ દ્વિતીયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ પર્વ પણ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, ભાઈબીજનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુના સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા પ્રમાણે, એક વખત યમરાજ પોતાની બહેન યમુનાને મળવા તેમના ઘરે ગયા હતા. બહેન યમુનાએ ભાઈનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે યમરાજના કપાળે તિલક કર્યું અને ભોજન કરાવી તેમનું સન્માન કર્યું હતું.

બહેનના આ પ્રેમ અને આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે તેમને વરદાન માગવા કહ્યું હતું. ત્યારે યમુનાજીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે દર વર્ષે આ દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે જાય, તેના હાથે તિલક કરાવે અને ભોજન કરે તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. યમરાજે તેમની આ ઇચ્છા સ્વીકારી હતી. ત્યારથી કારતક સુદ બીજના દિવસને ભાઈબીજ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
​​​​​​​
ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈને ઘરે આવવાનું આમંત્રણ આપે છે. ભાઈનું સ્વાગત કરીને તેના કપાળે કંકુ અને ચોખાનું તિલક કરવામાં આવે છે. ત્યારબાદ આરતી ઉતારીને મીઠાઈ ખવડાવવામાં આવે છે. બહેન પોતાના ભાઈના સુખી જીવન, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનને ભેટ આપીને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.
આમ, ભાઈબીજ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને લાગણીને વ્યક્ત કરવાનો ખાસ અવસર છે. રોજિંદા જીવનની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે સમય વિતાવવાની અને સંબંધોને વધુ ગાઢ બનાવવાની તક પણ આ પર્વ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application