ભાવનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ભાવનગર મહાનગરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ગઈકાલે જ નિમણૂક પામેલા ભાવેશભાઈ રબારીનું હાર્ટ એટેકના કારણે અચાનક અવસાન થયું હતું. તેમની નિમણૂકના સમાચાર ફેલાય તે પહેલા જ આ દુઃખદ ઘટના બની જતાં સમગ્ર પાર્ટી તેમજ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ભાવેશભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીના અત્યંત મહેનતું કાર્યકર્તા હતા
ભાવેશભાઈ રબારી ભારતીય જનતા પાર્ટીના અત્યંત મહેનતુ, નિષ્ઠાવાન અને સંઘર્ષશીલ કાર્યકર્તા તરીકે જાણીતા હતા. તેઓ હંમેશા પાર્ટીના કામમાં સક્રિય રહી, સંસ્થા પ્રત્યે અડગ વફાદારી સાથે કામગીરી કરતા હતા. પાર્ટીની લાઇનમાં રહી વર્ષો સુધી તેમણે સમાજસેવા અને સંગઠન મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના સમર્પણ અને સતત મહેનતને માન આપતા પાર્ટી દ્વારા તેમને ભાવનગર મહાનગરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
સમાજના લોકોમાં શોક છવાઈ ગયો
નિમણૂક બાદ તેમને ભાજપના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવા માટે ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન બંધ આવતાં તેમના પરિવારજનોનો સંપર્ક કરાયો. તે દરમિયાન ખબર પડી કે બપોરના સમયે હાર્ટ એટેક આવતા ભાવેશભાઈ રબારીનું નિધન થયું છે. આ સમાચાર સાંભળતા જ પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સમાજના લોકોમાં શોક છવાઈ ગયો હતો.
એક ઉગતો સૂરજ અચાનક આથમી ગયો
ભાવેશભાઈ રબારી સમાજના સાચા હિતેચ્છુ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનું જીવન સમાજસેવા, પરિશ્રમ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે. તેમના અચાનક અવસાનથી સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. એક ઉગતો સૂરજ અચાનક આથમી ગયો હોવાની લાગણી સૌ કોઈ અનુભવી રહ્યું છે. ભગવાન વડવાળા દેવ સ્વર્ગસ્થ ભાવેશભાઈ રબારીના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી રબારી સમાજ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે.