ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૮૦૦ કરોડના ગ્રાંટના ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ ઔડા ઓડિટોરિયમ, શેલા, અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં રાજકોટ મહાપાલિકાને ૧૯૫ કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કરાયો હતો.
અમદાવાદ ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ગ્રાંટના ચેક વિતરણના સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, પી.પી.પટેલ ઉપસ્થિત રહેલ હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેકનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મહાનગરોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યુ છે ત્યારે રાજકોટ શહેરને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફ્યુચર રેડી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ શહેરના વિવિધ વિકાસ કામો માટે અંદાજે રૂ.૧૯૫ કરોડની ગ્રાંટની રકમનો ચેક મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને આપવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મળેલ આ માતબર ગ્રાન્ટથી રાજકોટના વિકાસને નવી ઊંચાઇ મળશે. ખાસ કરીને પીવાના પાણીની લાઈનો, ભૂગર્ભ ગટર નેટવર્ક, ટ્રાફિક વ્યવસ્થાપન અને આધુનિક રસ્તાઓના નિર્માણમાં આ ફંડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ફાળવણીથી રાજકોટ સ્માર્ટ સિટી અને લિવિંગ ઈન્ડેક્સમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે. આગામી સમયમાં આ રકમનો ઉપયોગ કરીને જનસુખાકારીના કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવું જણાવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.