BREAKING NEWS

ખેડૂતો, પશુપાલકો, સાગરખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ટ્રેક્ટરથી બાયો-સીએનજી સુધી મોટી જાહેરાતો

  • February 18, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજ્ય સરકારે આ વર્ષે રજૂ કરેલા બજેટમાં ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂતોના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વ્યાપક અને દુરંદેશી પગલાં ભર્યા કર્યા છે. ગ્રામ અર્થતંત્રને મજબૂત બનાવી આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે કૃષિ, સિંચાઈ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. આ બજેટ માત્ર આંકડાઓ સુધી સીમિત નથી, પરંતુ ગામડાંના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવવાનો સ્પષ્ટ રોડમૅપ રજૂ કરે છે.


કૃષિ અને ખેડૂત કલ્યાણ અંતર્ગત કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ.1565 કરોડની જોગવાઈ, ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો પ્રયાસ છે. ટ્રેક્ટર, હાર્વેસ્ટર, ડ્રોન અને અન્ય અદ્યતન સાધનોના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ ઘટાડીને ઉપજ વધારવાનો હેતુ છે. કુદરતી આફતો જેવી કે પૂર, દુષ્કાળ અથવા અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતોને રાહત આપવા રૂ.11,000 કરોડથી વધુની સહાય ચુકવાઈ છે, જે રાજ્યની સંવેદનશીલતા અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા દર્શાવે છે. ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ 9.50 લાખ ખેડૂતો પાસેથી રૂ.18,000 કરોડની કૃષિ પેદાશોની ખરીદી કરવામાં આવી, જેનાથી ખેડૂતોને બજારમાં ભાવ ઘટવાના જોખમથી સુરક્ષા મળી છે.


સિંચાઈ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ‘સૌની’ અને ‘સુજલામ સુફલામ’ યોજનાઓ હેઠળ રૂ.3043 કરોડ ફાળવીને નર્મદાનું પાણી સુકા અને અછતગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. અમદાવાદના નળકાંઠા વિસ્તાર માટે રૂ.958 કરોડની જોગવાઈથી ખેતીને નવી દિશા મળશે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ અભિયાન હેઠળ 25 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે, જે પાણીના સંરક્ષણ અને કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.

પશુપાલન ક્ષેત્રે ‘ગૌ માતા પોષણ યોજના’ માટે રૂ.500 કરોડ ફાળવી ગાયોના સંરક્ષણ અને પોષણ પર ભાર મૂકાયો છે. દૂધ ઉત્પાદનમાં રાજ્યનો ફાળો 10%થી વધુ લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. પશુપાલકોની આવક વધારવા 4 ઝોનમાં બાયો-CNG પ્લાન્ટ સ્થાપવાની યોજના ગ્રામ ઉર્જા અને વધારાની આવક બંને માટે લાભદાયક સાબિત થશે.


મત્સ્ય ઉદ્યોગમાં રૂ.1340 કરોડની જોગવાઈથી ઉત્પાદન અને નિકાસ વધારવાનો ઉદ્દેશ છે, જ્યારે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ રૂ.1539 કરોડની વ્યાજ સહાય ખેડૂતોને સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરાવશે.સમગ્ર રીતે જોવામાં આવે તો આ બજેટ ગ્રામ વિકાસ, કૃષિ સમૃદ્ધિ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણ તરફ રાજ્ય સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.


પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા 39 કરોડ રૂપિયાની ફાળવણી

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રૂ.39 કરોડની ફાળવણી માર્કેટિંગ અને સર્ટીફીકેશન સહાય માટે કરવામાં આવી છે, જેથી ખેડૂતોને organic ઉત્પાદનો માટે યોગ્ય ભાવ મળી રહે. વધુમાં, વિવિધ પાકો માટે 6 નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાની જાહેરાતથી સંશોધન, તાલીમ અને નવી ટેકનિક્સનો પ્રચાર વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application