BREAKING NEWS

સ્વામી વિવેકાનંદજીએ ભારત-જર્મની વચ્ચે દર્શન, જ્ઞાન અને આત્માનો સેતુ બનાવ્યો'તો: PM મોદી

  • January 12, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. તેઓએ આજે જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બાદમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં બંને નેતાએ સાથે પતંગ ઉડાવી હતી. બાદમાં ગાંધનગર મહાત્મા મંદિરમાં બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ રહી છે. એ પહેલા બંને દેશ વચ્ચેની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીએ ભારત-જર્મની વચ્ચે દર્શન, જ્ઞાન અને આત્માનો સેતુ બનાવ્યો હતો. 


પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર ફ્રેડરિક મર્ઝ તેમનું ભારતમાં સ્વાગત કરવું મારા માટે સુખદ સંયોગ છે. સ્વામી વિવેકાનંદજીએ ભારત અને જર્મની વચ્ચે દર્શન, જ્ઞાન અને આત્માનો સેતુ બનાવ્યો હતો. ચાન્સેલર મર્ઝની યાત્રા એ જ સેતુને નવી ઊર્જા , નવો વિશ્વાસ અને નવો વિસ્તાર પ્રદાન કરી રહી છે. ચાન્સેલરના રૂપમાં તેમની ભારતની જ નહીં એશિયાની પણ આ પહેલી યાત્રા છે.


દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરના આંકડાને પાર

વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને જર્મની જેવા દેશોની અર્થવ્યવસ્થાઓની વચ્ચે નિકટ સહયોગ પૂરી માનવતા માટે મહત્વપૂર્ણ છે. વધી રહેલા વેપાર અને રોકાણના સંબંધોએ આપણી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને નવી ઊર્જા આપી છે. આપણો દ્વિપક્ષીય વેપાર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે અને 50 બિલિયન ડોલરના આંકડાને પાર કરી લીધો છે. 2000થી વધુ જર્મન કંપનીઓ લાંબા સમયથી ભારતમાં છે. આ ભારત પ્રત્યે તેના અતૂટ વિશ્વાસ અને અહીંની અનંત સંભાવનાઓને દર્શાવે છે.


આપણે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ ઉજવી રહ્યા છીએ’

વધુમાં જણાવ્યું હતું કે, ચાન્સેલર મર્ઝની આ યાત્રા એક વિશેષ સમયે થઈ રહી છે. ગત વર્ષે અમે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના 25 વર્ષ પૂર્ણ કર્યા, આ વર્ષે આપણે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પણ ઉજવી રહ્યા છીએ. આ માઇલસ્ટોન સમયની ઉપલબ્ધિ જ નથી. આ સંયુક્ત મહત્વકાંક્ષાઓ, પરસ્પર વિશ્વાસ અને નિરંતર સશક્ત થઈ રહેલા સહયોગના પ્રતિક છે.


‘આવકારો મીઠો આપજે રે’ આ જ ભાવના 

વધુમાં જણાવ્યું હતું કે, આ એ વાતનું સશક્ત પ્રમાણ છે કે, ભારત સાથેના સંબંધોને એટલું ઊંડાણથી મહત્વ આપે છે. તેમના કમિટમેન્ટને લઈ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત જર્મની સાથેની મિત્રતા અને ભાગીદાર સુદ્રઢ કરવા પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં કહેવત છે કે, આવકારો મીઠો આપજે રે, એટલે કે સ્નેહ અને આત્મીયતાથી સ્વાગત કરવું. આ જ ભાવના સાથે અમે ચાન્સેલર મર્ઝનું ભારતમાં હાર્દિક અભિનંદન કરીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News