રાજકોટ શહેરમાં એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ સ્પીડવેલથી કણકોટ તરફ જતા રસ્તા પર આજે વહેલી સવારે એક યુવક લોહીથી લથપથ હાલતમાં મૃત હાલતમાં મળ્યો હતો. સ્થાનિક લોકોએ લાશ જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક શંકા મુજબ યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. મૃતદેહ પર ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા છે, જે હત્યાની દિશામાં ઈશારો કરે છે.
પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ યુવકની ઓળખ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ નજીકના વિસ્તારોમાં રહેતા લોકો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને કોઈ શંકાસ્પદ હલચલ જોવા મળી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટના પાછળ અંગત અદાવત, લૂંટ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી છે.