મહારાષ્ટ્રથી ગુજરાત દારૂની હેરાફેરી માટે હવે બૂટલેગરોએ દરયાઈ માર્ગ અપનાવ્યો છે. જો કે મરિન પોલીસે દારૂની આ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્રની એક બોટમાં વિદેશી દારૂ-બિયરની 200 પેટીથી વધુનો જથ્થો ઉનાના મધદરિયેથી ઝડપાયો છે. તેમજ વલસાડના 10 ખલાસીની પણ ધરપકડ કરવામાં આવી છે.
દારૂનો જથ્થો જોઈને પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી
મળતી માહિતી મુજબ, નવાબંદર પોલીસને બાતમી મળી હતી કે ઉનાના સીમરના દરિયાઈ માર્ગે વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ માહિતી મળતા જ પીઆઈ એન એમ રાણા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સીમર બીચ પર પહોંચી ગયો હતો. પોલીસે સત્વરે બોટ મારફત દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું અને ત્યાંથી પસાર થતી મહારાષ્ટ્રની બોટને અટકાવી તેની તલાશી લીધી હતી. બોટમાંથી વ્યાપક પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જોઈને પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી હતી.
દારૂ ભરેલી મહારાષ્ટ્રની બોટ દરિયાકાંઠે પહોંચી શકી નહીં
બોટમાં વલસાડના 10થી વધુ ખલાસીઓ હતા, જેમને પોલીસે ઝડપીને કાંઠે લાવ્યા હતા. જોકે, હાલ દરિયામાં પાણી ઓછું હોવાને કારણે મુખ્ય બોટ કાંઠા સુધી પહોંચી શકી નહોતી. આ સંજોગોમાં, પોલીસે અન્ય સ્થાનિક બોટોની મદદ લીધી હતી.
દરિયામાં ચાલીને દારૂનો જથ્થો બોટમાંથી ટ્રેક્ટરમાં ભર્યો
પોલીસે દરિયામાં જ દારૂના જથ્થાને મહારાષ્ટ્રની બોટમાંથી બીજી બોટમાં ટ્રાન્સફર કરાવ્યો હતો. દારૂ ભરેલી એક બોટ કિનારા પર લાવવામાં આવી હતી, જેમાં 100થી વધુ પેટી વિદેશી દારૂ હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થાને કિનારે ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યો હતો. હાલમાં, ઓટ હોવાને કારણે બોટ કિનારાથી દૂર હોવાથી, પોલીસ જવાનો અને માણસો દરિયામાં ચાલીને દારૂનો જથ્થો બોટમાંથી ટ્રેક્ટરમાં ભર્યો હતો.
મહારાષ્ટ્રની મુખ્ય બોટને મધદરિયે કોર્ડન કરાઈ
મહારાષ્ટ્રની મુખ્ય બોટ હજુ પણ મધદરિયે છે અને પોલીસે તેને કોર્ડન કરીને રાખી હતી. પોલીસના જણાવ્યા મુજબ, દરિયામાં પાણી વધુ આવ્યા બાદ બાકીનો દારૂનો જથ્થો કાંઠે લાવવામાં આવશે. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.