ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમાં રાજુલા તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવતા સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે ગત 28 ઓક્ટોબરે રાજુલાના ખોબા જેવડા ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ત્રણ સગા ભાઈ સહિત ચાર યુવાનો ન્હાવા પડ્યા હતા. પરંતુ નદીનો ધસમસતો પ્રવાહ ચારેય યુવાનોને તાણી ગયો હતો. ત્રણ દિવસ દરમિયાન એક પછી એક ચારેય યુવાનોના મૃતદેહો બચાવ ટીમના હાથે લાગ્યા છે. એક જ ગામમાં ચાર-ચાર યુવાનોના મોતથી ગામ સહિત સમગ્ર રાજુલા પંથકમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. સતત ત્રણ દિવસની ભારે જહેમત અને શોધખોળ બાદ ડૂબી ગયેલા ચારેય યુવાનોના મૃતદેહ એક બાદ એક મળી આવ્યા છે.

એકનો મૃતદેહ પાંચ કિમી દૂરથી મળ્યો
મળતી માહિતી અનુસાર, અમરેલી ફાયર વિભાગની ટીમે 29મી ઓક્ટોબરે ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી મેરામ પરમાર અને પીન્ટુ વાઘેલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. જ્યારે આજે કાના પરમાર નામના યુવકનો મૃતદેહ ઘટનાસ્થળથી આશરે પાંચ કિલોમીટર દૂર જૂની માંડવડી ગામ નજીકથી મળી આવ્યો. જ્યારે ચોથા યુવકનો મૃતદેહ આજે બપોરે ધાતરવડી ડેમ પાસેના માડરડીથી જાપોદેરના પુલ નજીકની મળી આવ્યો છે

ત્રણ સગા ભાઈના મોતથી પરિવાર પર આભ ફાટ્યું
આ ગંભીર દુર્ઘટનાની સૌથી દુઃખદ વાત એ છે કે ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા, જેના કારણે એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતદેહોની શોધખોળમાં ફાયર વિભાગની ટીમે ત્રણ મૃતદેહો શોધી કાઢ્યા હતા, જ્યારે એક મૃતદેહ શોધવામાં NDRFની ટીમે પણ મદદ કરી હતી. નદીમાં ડૂબી જવાની આ ગંભીર દુર્ઘટનાએ રાજુલા પંથકના ગ્રામજનોને હચમચાવી દીધા છે.
સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવને પગલે વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.