દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતના ડીંડોલી વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી બે કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મૃતક યુવતીઓની ઓળખ રોશની શરદ શિરસાઠ (ઉંમર ૧૮ વર્ષ) અને જોસના અતુલ ચૌધરી (ઉંમર ૨૦ વર્ષ) તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ઉધનાની સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. રોજની જેમ સવારે બંને સખીઓ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. જોકે, બપોર બાદ પણ તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
પરિવારના સભ્યોએ બંનેના મોબાઈલ પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સામેથી કોઈ જવાબ મળી રહ્યો નહોતો. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે બંને યુવતીઓના લોકેશન મંદિરની આસપાસ છે. અંતે, તપાસ કરતા મંદિર પરિસરમાં આવેલા બાથરૂમમાંથી બંને યુવતીઓની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા ડીંડોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી બંને મૃતદેહોને કબજે કર્યા હતા અને પોસ્ટમોર્ટમ (પીએમ) માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, મંદિર જેવા જાહેર અને પવિત્ર સ્થળે આ રીતે બે યુવતીઓના મોત થવાને લીધે અનેક રહસ્યો ઘેરાયા છે.
બંને યુવતીઓ ભણવામાં તેજસ્વી હતી અને સામાન્ય રીતે કોલેજથી સીધી ઘરે જતી હતી. ત્યારે અચાનક તેઓ આ મંદિર સુધી કેવી રીતે પહોંચી અને બાથરૂમમાં તેમનું મૃત્યુ કેવી રીતે થયું? શું આ કોઈ સામૂહિક આત્મહત્યા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય ભેદી કારણ જવાબદાર છે? આવા અનેક સવાલો હાલ સ્થાનિકો અને પોલીસના મનમાં ઘૂમરાઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અમે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને યુવતીઓના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ અને સમય સ્પષ્ટ થશે. હાલમાં આ ઘટનાને પગલે મૃતક યુવતીઓના પરિવારજનોમાં કરૂણ આક્રંદ જોવા મળી રહ્યો છે. સુરત પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ રહસ્યમય મોત પાછળનું સત્ય બહાર આવી શકે.