બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે પધાર્યાં હતાં. તેમણે ભક્તિભાવપૂર્વક મહાદેવનાં ચરણોમાં શીશ ઝુકાવી જળાભિષેક કર્યો અને ધ્વજાપૂજા સાથે મધ્યાહ્ન આરતીનાં દિવ્ય દૃશ્યો નિહાળી આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. કંગના રનૌત હાલ ગુજરાતના આધ્યાત્મિક પ્રવાસે છે, જેમાં તેમણે ગીરના પ્રાકૃતિક સૌંદર્યની મુલાકાત લીધા બાદ સોમનાથ અને દ્વારકાધીશનાં દર્શન પૂરાં કર્યાં છે. તેઓ આજે તેમના ભાણેજ પૃથ્વીરાજ ચંદેલ સાથે દર્શનાર્થે પધારી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આજનાં બાળકો વિદેશી સંસ્કૃતિના આકર્ષણમાં વધુ ગૂંથાઈ જતાં હોય છે, તેથી ભારતીય પરંપરા અને સંસ્કારની ઓળખ પ્રબળ થાય એ માટે હું પૃથ્વીરાજને અહીં લઈ આવી છું. કંગના રનૌતે મંદિર પરિસરમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં આધ્યાત્મિક ટૂરિઝમને આપવામાં આવી રહેલી ગતિ અને પ્રોત્સાહનને ખૂબ વખાણી હતી. તેમણે મહાદેવ સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય અને તેમના દ્વારા કરવામાં આવી રહેલાં જનકલ્યાણકારી કાર્યોની સફળતા માટે પણ પ્રાર્થના કરી હતી.

સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંગના રનૌતને માતા પાર્વતીને ચડાવેલી પ્રસાદ સાડી ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ ક્ષણને કંગનાએ પોતાના જીવનનું પાવન સૌભાગ્ય ગણાવ્યું હતું.

તેમણે ભાવવિભોર બની જણાવ્યું કે સોમનાથ મહાદેવનાં ચરણોમાં આવતા જ મનધારા એકદમ ધ્યાનમગ્ન થઇ જાય છે. તેમણે મંદિર પરિસરની યાત્રી સુવિધાઓને પણ "ખૂબ જ બેનમૂન" ગણાવીને વખાણ કરી હતી.