BREAKING NEWS

રાજકોટમાં દિવાળી કાર્નિવલના ખર્ચમાંથી બચાવેલા 90 લાખમાંથી દરેક મ્યુનિ.કર્મીને 1000નું બોનસ

  • November 16, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે સવારે ૧૧ કલાકે યોજાયેલા અધિકારીઓ-પદાધિકારીઓ અને કોર્પોરેટરોના સ્નેહ મિલન અંતર્ગત આયોજિત પ્રેસ મીટમાં મેયર ડો.નેહલ શુક્લએ એવી જાહેરાત કરી હતી. ગત બે વર્ષમાં મહાપાલિકાએ દિવાળી કાર્નિવલ પાછળ કરેલા ખર્ચની તુલનાએ આ વર્ષે ખૂબ જ કરકસર પૂર્વક ખર્ચ કરી દિવાળી કાર્નિવલ યોજતા તેમાં રૂ.૯૦ લાખ જેવી માતબર રકમની બચત થઇ છે, આ રકમમાંથી મહાપાલિકાના વર્ગ-૧થી વર્ગ-૪ સફાઇ કામદાર સુધીના તમામ કર્મચારીઓને પ્રતિ કર્મચારી દીઠ રૂ.૧૦૦૦નું પ્રોત્સાહક ઇનામ (બોનસ) પેટે આપવામાં આવશે. મેયરની આ જાહેરાતને ઉપસ્થિત તમામ અધિકારી અને કર્મચારીગણે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. મેયરએ ઉમેર્યું હતું કે આ ૯૦ લાખની રકમમાં વીસેક લાખ જેવી થોડી રકમ ઉમેરીને ગૌશાળાઓ સહિતની એનજીઓને પણ સહાય કરવામાં આવશે.

વિશેષમાં નૂતન વર્ષ નિમિતે આયોજિત સ્નેહ મિલનમાં મેયર ડો.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્ષમ વહીવટના પરિણામે બચત થયેલ આશરે રૂ.૯૦ લાખ જેટલી વધારાની રકમનો સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે લોકહિતના કાર્યોમાં સદુપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની રકમનો ઉપયોગ શહેરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રોત્સાહન તથા સહાય આપવા માટે કરવામાં આવશે. સાથે જ રાજકોટ શહેરની સ્વચ્છતા અને સુખાકારી માટે અહર્નિશ સેવાઓ આપતા સફાઈ કામદારોની નિષ્ઠા અને સમર્પણને સન્માનિત કરવા તેમજ પોતાની ફરજ ઉત્તમ રીતે નિભાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.શહેરના વિકાસમાં નિઃસ્વાર્થ ભાવે યોગદાન આપી રહેલ સેવાકીય સંગઠનોને સહાયઆપવાના અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવાના આશયથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન પ્રોત્સાહક રકમ અર્પણ કરીને તેઓની સેવાભાવનાને બળ પૂરું પાડવામાં આવશે.સુશાસન, પારદર્શિતા અને કરકસરયુક્ત વહીવટથી બચત અને બચતમાંથી સમાજસેવાના અભિગમ સાથે રાજકોટ મહાનગરપાલિકાનો આ નિર્ણય સામાજિક સમરસતા, કર્મચારી સન્માન અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની દિશામાં અપ્રતિમ, અનુકરણીય અને ઐતિહાસિક પહેલ બની રહેશે.

મેયર ડૉ.નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને આયોજિત ઉપરોક્ત નુતન વર્ષ સ્નેહ મિલન પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, અગ્રણી કશ્યપભાઈ શુક્લ, વિવિધ સમિતિના ચેરમેન, કોર્પોરેટરો, નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેયરે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, નવા વર્ષમાં રાજકોટને વિકાસની ગતિમાં વધુ આગળ લઈ જવું છે તેના માટે અધિકારીઓ તરીકે આપ સૌ અને પદાધિકારીઓ-કોર્પોરેટરો તરીકે અમે સૌ એક્ટીવ છીએ. રાજકોટ મહાનગરપાલિકા એક પરિવાર છે અને આપણા પરિવારના તમામ સભ્યોને નવા વર્ષની શુભેચ્છા તેમજ પરિવારના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application