રાજકોટના સામાકાંઠે રવિવારની રાત્રીના દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના બેભાન હાલતમાં મૃત્યુના બનાવમાં અંતે બેવડી હત્યા કરવામાં આવી હોવાની સનસનીખેજ વિગતો સામે આવતા પોલીસે બેવડી હત્યા કરનાર અને જેની ઉપર મૃતકના પુત્રએ શંકા વ્યક્ત કરી હતી જીણા ભગત નામના શખસની કાયદેસરની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા જીણા ભગતે ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, તેને જ પોતાના માણસ અલ્પેશ સાબરીયાને દેશી દારૂમાં ઝેરી દવા ભેળવી મનસુખભાઈ ડાભીને પીવડાવી દેવા કહ્યું હતું. જેનું કારણ જણાવ્યું હતું કે, મૃતક મનસુખભાઈ ડાભી સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હતું આ વાતનો ખાર રાખી પ્લાન ઘડ્યો હતો.
ઘટનાની ક્રમશ વિગત મુજબ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા મનસુખભાઈ રણછોડભાઈ ડાભી (ઉ.વ.50) અને કનકનગરમાં રહેતા તેના મિત્ર અલ્પેશ રાઘવજીભાઈ સાબરીયા (ઉ.વ.43) બંને રવિવારની રાત્રીના સંતકબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના ખૂણેથી બેભાન હાલતમાં મળી આવતા બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરતા બંનેનું દેશી દારૂ પીધા બાદ મોત થયાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને પોલીસની ટિમ પણ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી. અને મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. પોલીસે લઠ્ઠકાંડની શંકાને પગલે બે બુટલેગર સહીત ત્રણ શખસોને પુછપરછ માટે ઉઠાવી લીધા હતા.
પરંતુ મૃતક મનસુખભાઈના પુત્ર વિનય ડાભીએ પોલીસ સમક્ષ ભગીરથ સોસાયટીમાં રહેતા જીણા ભગત સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભગીરથ સોસાયટીમાં રહેતા અને દેશી દારૂ તેમજ વર્લીનો જુગાર ચલાવતા જીણા વિઠ્ઠલભાઈ ગોહેલ ઉર્ફે જીણા ભગતને પિતા સાથે અગાઉની માથાકૂટ ચાલતી હોવાથી તેને દારૂમાં ઝેરી દવા નાખી અલ્પેશ મારફતે પિતાને દારૂ પીવડાવી હત્યા કરી નાખી છે, આક્ષેપોને પગલે બી ડિવિઝન પોલીસે જીણા ભગતને અટકાયતમાં લઈ પુછપરછ હાથ ધરતા અંતે જીણો ભગત પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને કબૂલાત આપી હતી કે, અલ્પેશ મારફતે દારૂની કોથળીઓ મગાવી હતી અને તેમાં માકડ મારવાની ઝેરી દવા ભેળવી દઈ હવે પોતાને દારૂ નથી પીવો કહી અલ્પેશને ચારેય કોથળી આપી દીધી હતી.
જે દારૂની કોથળી અલ્પેશ અને મિત્ર મનસુખભાઇ ડાભીએ પી લેતા બંને મિનિટોમાં જ ઢળી પડ્યા હતા. પોલીસે જીણા વિઠ્ઠલભાઈ ગોહેલ ઉર્ફે જીણા ભગત સામે બે બેવડી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની નજર ચૂકવી જીણાએ દવાનો સ્પ્રે પોતાના મોઢા પર છાંટ્યો
મૃતકના પુત્ર વિનયે જીણા ભગત સામે આક્ષેપ કરતા બી ડિવિઝન પોલીસે શકમંદ તરીકે જીણા ભગતને ઉઠાવી લઇ સર્વેલન્સ રૂમમાં સઘન પુછપરછ ચાલી રહી હતી ત્યારે ટેબલ નીચે રાખવામાં આવેલો વંદા મચ્છર મારવાનો સ્પ્રે જોઈ જતા સિફતપૂર્વક પોલીસ સ્ટાફની નજર ચૂકવી ધક્કો મારી સ્પ્રે લઈને પોતાના મોઢે છાંટવા લાગ્યો હતો. પોલીસે સ્પ્રે ઝૂંટવી તાકીદે સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જીણાને પોલીસને બાતમી આપી હોવાનો ખાર હતો
જીણા ભગત ઘણા વર્ષોથી વરલીઓ જુગાર ચલાવતો હતો અને તેનું બધું કામ અલ્પેશ મૃતક અલ્પેશ સાબરીયા કરતો હતો. પાંચેક મહિના પહેલા મૃતક મનસુખભાઈ ઘરે હતા ત્યારે પોલીસ આવી હતી અને જીણા ભગતનું ઘર ક્યાં છે તેમ પૂછતાં મનસુખભાઈએ જીણાભગત નું ઘર પોલીસને બતાવ્યું હતું આ વાતનો ખાર રાખી ત્યારથી જ જીણા ભગતના મનમાં મારી નાખવાના બીજ રોપાયા હતા અને અનેક વખત તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી પણ મનસુખભાઈને આપી હતી જે અંતે સાચી ઠેરવી હતી.