રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામે એક સ્ત્રીની રહસ્યમય લાશ મળી આવવાની ઘટનામાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસે કડક કાર્યવાહી કરીને હત્યાના ગુનાને અકસ્માત મોત અથવા આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર આરોપી પ્રેમીને દબોચી લીધો છે.
કેળાના ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી લાશ
ઘટનાની વિગતો મુજબ, તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ સવારે કોઠી ગામના વલ્લભભાઇ સોલંકીએ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફોન દ્વારા જાણ કરી હતી કે કોઠી ગામે રામાપીરના મંદિર સામે વાડીમાં આવેલા કેળાના ઝાડ પર એક સ્ત્રીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકે છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મરણજનાર મહિલાની ઓળખ કાજલ તરીકે કરી હતી, જે તા. ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રે અઢી વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. પરિવારજનોની શોધખોળ અને સવારે તેમના જ મોબાઈલ પરથી આવેલા શંકાસ્પદ મેસેજ બાદ અંતે સવારે તેમની લાશ મળી આવી હતી.
પ્રેમીએ જ મોઢામાં ડૂચો દઈ ગળેટૂંપો આપી પતાવી દીધી
પોલીસે જ્યારે મરણજનાર કાજલના મોબાઈલની સી.ડી.આર., કોલ ડિટેલ્સ અને લોકેશનની ટેકનિકલ તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાજલ રાત્રે આશરે બે વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર તેમના પ્રેમી અશોક રણછોડભાઇ સાપરાને મળવા ગઈ હતી. અંદાજે બે કલાક સાથે વિતાવ્યા બાદ જ્યારે કાજલ પરત જવા નીકળી ત્યારે તેમણે જોયું કે પરિવારજનો જાગી ગયા છે અને તેમને શોધી રહ્યા છે. પકડાઈ જવાના ડરથી કાજલ પાછી પ્રેમી અશોક પાસે ગઈ અને પોતાની સાથે લઈ જવા દબાણ કર્યું હતું. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં અને કાજલ જોર-જોરથી બોલવા લાગતા, અશોકે તેમનો અવાજ દબાવવા મોઢામાં કાપડનો ડૂચો ભરાવી દીધો હતો. શ્વાસ રૂંધાવાના કારણે કાજલ બેભાન થઈ જતાં અશોકે કપડાથી ગળેટૂંપો આપી તેમની ક્રૂર હત્યા કરી નાખી હતી.
બનાવને આત્મહત્યા બતાવવા લાશ ઝાડ પર લટકાવી
હત્યા કર્યા બાદ આ ગુનાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રેમી અશોકે કાજલની લાશને ઘટનાસ્થળથી પચાસેક મીટર દૂર કેળાના ઝાડની ડાળી સાથે સાડી વડે લટકાવી દીધી હતી. વધુમાં, પુરાવાનો નાશ કરવા માટે તેણે કાજલબેનનો મોબાઈલ ફોન પણ તોડીને ફેંકી દીધો હતો.
જસદણ પોલીસ અને એફ.એસ.એલ.ની સંયુક્ત કાર્યવાહી
જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.પી.ગોસાઇ, એલ.સી.બી. પી.આઈ. જે.પી. રાવ અને ટીમે ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. કેસ શંકાસ્પદ જણાતા ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી તથા વીડિયોગ્રાફી સાથે ઇન્ક્વેસ્ટ પંચનામું કરી લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી. પોલીસે ટાવર અને ડમ્પ લોકેશનના આધારે આરોપી અશોક સાપરાની ધરપકડ કરી લીધી છે. મરણજનારના પતિની ફરિયાદના આધારે જસદણ પોલીસે અશોક વિરુદ્ધ બી.એન.એસ. (BNS) કલમ ૧૦૩(૧), ૨૩૮, ૨૪૧ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.