BREAKING NEWS

દિલ્હીમાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો, અંધાધૂંધી સર્જાઈ

  • January 07, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના રામલીલા મેદાન પાસે આવેલા તુર્કમાન ગેટ વિસ્તારમાં અડધી રાતે ભારે હોબાળો થયો હતો. દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીની ટીમ ફૈઝ-એ-ઈલાહી મસ્જિદની આસપાસના ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે પહોંચી હતી જેનો સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો અને જોતજોતામાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. પરિસ્થિતિને કાબુમાં કરવા માટે પોલીસે ટીયર ગેસ સેલ છોડવા પડ્યા હતા.

બુલડોઝર કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે હવે પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરી છે. તેમણે અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધીમાં પોલીસના બોડી વોર્ન કેમેરાના આધારે 10 જેટલાં પથ્થરમારોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

એમસીડી અધિકારીઓ મુજબ, મસ્જિદને અડીને આવેલા દવાખાના અને બારાત ઘર (લગ્ન હોલ)ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. રામલીલા મેદાન વિસ્તારમાં થયેલા સર્વે બાદ આ બાંધકામોને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રશાસને આ દબાણ હટાવવા માટે લોકોને પહેલાથી સમય પણ આપ્યો હતો.

આ તોડફોડની કાર્યવાહીને કારણે વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થા પર પણ ગંભીર અસર પડી છે. જેએલએન માર્ગ, અજમેરી ગેટ, મિન્ટો રોડ અને દિલ્હી ગેટની આસપાસ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે મુસાફરોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે


36,000 ચોરસ ફૂટમાં 32 બુલડોઝર દ્વારા રાતોરાત મોટી કાર્યવાહી કરાઈ

દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને એમસીડીએ જૂની દિલ્હીમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદની આસપાસના નોંધપાત્ર અતિક્રમણ દૂર કર્યા. ગઈકાલે રાત્રે શરૂ થયેલી આ કામગીરીમાં ૩૨ બુલડોઝરનો સમાવેશ થયો હતો, જેમાં 36,000 ચોરસ ફૂટથી વધુ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સેંકડો પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો.


સમગ્ર મિલકત વક્ફ બોર્ડની માલિકીની હોવાનો મસ્જિદ સમિતિનો દાવો

ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદની આસપાસ વિવિધ પ્રકારના દબાણ થયા હતા. ઘણી દુકાનો અને એક લગ્ન હોલ પણ બનાવવામાં આવ્યો હતો. મસ્જિદ સમિતિનો દાવો છે કે તે તેમના કબજામાં છે, એટલે કે તે વક્ફ બોર્ડની માલિકીની છે. જોકે, સમિતિ પાસે આ કબજાની પુષ્ટિ કરતા કોઈ દસ્તાવેજો નહોતા, જેના કારણે નોટિસ જારી કરવામાં આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.


ડ્રોનથી સમગ્ર વિસ્તાર પર નજર: હાલ પરિસ્થિતિ કાબુમાં

મસ્જિદ તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. ડ્રોન કેમેરા સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. કેટલાક બદમાશોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો અને પથ્થરમારો કર્યો, જેનાથી બ્લાસ્ટ જેવા અવાજો થયા. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો બળપ્રયોગ કર્યો. જોકે એમસીડી અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ કાબુમાં છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application