રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઇમના બનાવો વધતા, પોલીસ તંત્રએ ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે કડક પગલા હાથ ધર્યા છે. ખાસ કરીને રૂખડિયાપરા વિસ્તારના જાણીતા બુટલેગર રાજેશ ઉર્ફે ડોનિયા સામે આજે પોલીસે મોટું એક્શન હાથ ધર્યું છે. ડોનિયાના ઘર ઉપર બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર રીતે બનેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
રાજેશ ઉર્ફે ડોનિયા પર અનેક ગુનાઓ
રાજેશ ઉર્ફે ડોનિયા પર અગાઉથી અનેક ગુના નોંધાયેલા છે, જેમાં દારૂ ઉપરાંત મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળના કેસ પણ સામેલ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિસ્તારના યુવાનોને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધકેલી રહ્યો હતો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કાર્યવાહી હાથ ધરી છે.
કાયદો હાથમાં લેનારને બક્ષવામાં આવશે નહીં
છેલ્લા પાંચ દિવસથી શહેરમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ ચાલી રહી છે, જેમાં શંકાસ્પદ વાહનો, દારૂના ધંધા અને ગુનાહિત તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને ગુનાહિત તત્વોને કડક ચેતવણી આપી છે કે કાયદો પોતાના હાથમાં લેનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા
તાજેતરમાં થયેલી હત્યાઓ અને ગેંગવોરના બનાવો પછી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ આજની આ કાર્યવાહી દ્વારા રાજકોટ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ગુંડાગીરી અને ગેરકાયદેસર ધંધો હવે નહીં ચાલે. સ્થાનિક રહેવાસીઓએ પણ પોલીસના આ પગલાને આવકાર્યો છે અને કાયદો જાળવવા માટે પ્રશંસા વ્યક્ત કરી છે.