ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવિરાત્રિમાં ‘આઈ લવ મોહમ્મદ’નો વિવાદ વકર્યો હતો. સ્ટેટસમાં પોસ્ટ મુકવાને લઈને વિવાદ હિંસક બન્યો હતો. ટોળાઓ ગરબામાં પથ્થરમારો, વાહનોમાં તોડફોડ અને દુકાનોમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં સરકારે હવે લાલ આંખ કરી આજે વહેલી સવારથી ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે 190 જેટલા કાચા-પાકા દબાણો પર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, બહિયલમાં પથ્થરમારો અને તોડફોડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી. જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા ગઈકાલે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.

આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કુલ 190 દબાણોમાંથી રાયપુર ઘમીજ કરોલી રોડ પર 135 દબાણો અને હાથીજણથી બહિયલ રોડ પર 51 દબાણોને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેઓએ પોતાનો માલસામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.

અત્યારસુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ
હિંસક તોફાનની ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવી રહ્યો છે.
ગામના મહિલા સરપંચે રાજીનામું આપી દીધું
આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહિયલના મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસેન ચૌહાણે અગમ્ય કારણોસર પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું હતું. સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ આગેવાન વિનાની નોધારી સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આઈ લવ મોહમ્મદના સ્ટેટ્સથી હિંસા ભડકી હતી
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઈ લવ મોહમ્મદ લખાયેલા બેનર લાગ્યાં હતા. આવાં જ બેનર સોશિયલ મીડિયામાં મુકાવા લાગ્યાં હતા. એમાં ગાંધીનગર પાસેના બહિયલ ગામના એક હિન્દુ યુવકે આ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટિપ્પણી કરી. આ ટિપ્પણીને કારણે બહિયલના તોફાની તત્વો રોષે ભરાયા અને એ યુવાનની દુકાન અને આસપાસની દુકાનોમાં તોડફોડ કરી, આગચંપી કરી. પછી નવરાત્રિના રાસ રમાતા હતા એ મંડપ પાસે જઈને પથ્થરમારો કર્યો. જોતજોતાંમાં ગામમાં વાતાવરણ તંગ બની ગયું.