આજે રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયરના પતિદેવ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે મહીલા કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મેયરના પતિના ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર ફેરવવા માંગ કરી હતી.
રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે મેયરના પતિદેવ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની નિષ્ક્રિયતા અને મિલીભગત દર્શાવે છે. સામાન્ય નાગરિકો દ્વારા નાનામાં નાના નિયમભંગ માટે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સત્તાધીશો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, જે ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ છે. ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલો માત્ર એક ગેરકાયદેસર બાંધકામનો નથી પરંતુ ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનું પ્રતિક છે. જો સત્તાધીશો સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી નહીં થાય તો કાયદા પર લોકોનો વિશ્વાસ નબળો પડશે. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકીની આગેવાનીમાં જયાબેન ચૌહાણ, દીપુ રવિયા હિરલબા રાઠોડ ચંદ્રિકાબેન વરણીયા કંચન બેન વાળા જયાબેન ટાંક મેરૂબેન કુરેશી ભાવનાબેન વાઘેલા વિભૂતિબેન ત્રિવેદી રેણુકાબેન પટેલમીનાબેન ચૌહાણ મહીલા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.