BREAKING NEWS

જામનગર : ટેકાથી ૩૦૦ મણ મગફળી ખરીદો, નહીં તો તફાવતનો ભાવ ખેડૂતોને આપો

  • October 15, 2025 04:32 PM 


ટેકાના ભાવે ૭૦ મણ મગફળી ખરીદી કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે જામનગર સહિત ગુજરાતભરમાં વિરોધ ઉઠ્યો છે, પરમદિવસે ધ્રોલમાં નીકળી હતી, દરમ્યાનમાં આજે જામનગર તાલુકાના ખેડૂતો ગાડામાં ઉચ્ચકોટીની મગફળીનો માલ ભરીને જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો અને ખેતીવાડી અધિકારીને સંબોધીને આપેલા આવેદનપત્રમાં એવી સ્પષ્ટ માંગણી કરી હતી કે, કાં તો એક ખેડૂત પાસેથી ટેકાના ભાવે ૩૦૦ મણ મગફળી ખરીદી કરો અથવા ખુલ્લી બજારમાં અને ટેકામાં જે ભાવનો તફાવત છે, દરેક ખેડૂત દીઠ આ તફાવત ચૂકવો.


તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલ સુમરાએ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઇ કથીરીયા, જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફી, ઉપેન્દ્રસિંહ જાડેજા, સિક્કા ન.પા.ના પૂર્વ પ્રમુખ જુસબ બારૈયા, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઇ વાઘેલા, જયસુખભાઇ પરમાર, હમીરભાઇ સોનગરા, ઇસ્માઇલ ખીરા, માજી સરપંચ ગફારભાઇ, કારાભાઇ અને દડીયાના માજી સરપંચ અરજણભાઇ સહિતના આગેવાનો તેમજ સંખ્યાબંધ ખેડૂતો સાથે રહ્યા હતા.
આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર તાલુકાના ખેડૂતો આ વર્ષે પણ પરિશ્રમપૂર્વક મગફળીની ખેતી કરી છે. પરંતુ હાલમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદીની મર્યાદા દર ખેડૂત દીઠ ફક્ત ૭૦ મણ નક્કી કરવામાં આવી છે, જ્યારે સરેરાશ દરેક ખેડૂત પાસે ૩૦૦ મણથી વધુ ઉપજ છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ પોતાના પરિશ્રમનો યોગ્ય ભાવ મેળવવામાં અસમર્થતા અનુભવી રહ્યા છે, જેનાથી તેમના પરિવારના ભરણપોષણ અને કૃષિ કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.



આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે સ્પષ્ટપણે આ વાત સરકાર સમક્ષ રજૂ કરવા માગીએ છીએ કે  દર ખેડૂત દીઠ ઓછામાં ઓછી ૩૦૦ મણ મગફળીની ખરીદી કરવાની સુવિધા આપવી જોઈએ. અથવા જો સરકાર ખરીદી કરી ન શકે તો ટેકાના ભાવ (રૂ.૧૪૫૨.૬૦) અને ખુલ્લા બજારના હાલના ભાવ (રૂ.૧૦૦૦) વચ્ચેનો તફાવત રૂ.૪૫૨.૬૦ પ્રતિ મણ ગણતાં, ૩૦૦ મણ દીઠ કુલ ર્રું.૧,૩૫,૦૦૦ રકમ દર ખેડૂતના ખાતામાં સીધી જમા કરવામાં આવે, આ માગણી માત્ર આર્થિક રાહત માટે નથી  આ ખેડૂતોના પરિશ્રમને માન આપવાની લાયક હકદાર માંગણી છે. આજે જ્યારે ખેતરનો પાક તૈયાર છે, ત્યારે સરકારના આવા અડધા અધૂરા નિર્ણયો ખેડૂતોના મનોબળને તોડે છે.


કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માન્યો છે કે ખેડૂત હિત માટે લડવું રાજકારણ નથી, એ આપણો નૈતિક ફરજ છે. આથી, જામનગર  તાલુકા કોંગ્રેસ સમિતિ સરકારને આ આવેદનપત્ર દ્વારા નમ્ર વિનંતી કરે છે કે ઉપરોક્ત માગણીઓને તાત્કાલિક સ્વીકારી ખેડૂતોને રાહત આપવામાં આવે, આ આવેદન સાથે તમામ તાલુકા કક્ષાના કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂતોના હસ્તાક્ષરિત ફોર્મ સાથે આ મુદ્દે સામૂહિક રીતે રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application