ઇન્કમટેકસ વિભાગની જયપુર સ્થિત અપીલેટ ટ્રીબ્યુનલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની હકીકતો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન એટલે કે સીબીઆઇને મળ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી આયકર વિભાગના મહા ભ્રષ્ટાચાર પરથી પડદો ઉંચકવા સીબીઆઇ તપાસ કરી રહી છે, અત્યાર સુધી ૩ વ્યકિતની ધરપકડ થઇ ગઇ છે, જે પૈકીના મુળ જામનગરના જયપુર અપીલેટ ટ્રીબ્યુનલના જયુડી. મેમ્બરને રીમાન્ડ પુરી થયા બાદ ગઇકાલે સીબીઆઇની ખાસ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે તા.૧૫ ડીસેમ્બર સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ આપ્યો છે, બીજી બાજુ આ પ્રકરણમાં ધરપકડ પામેલા બે સભ્યોને આજે ફરી એક વખત સીબીઆઇની ખાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
થોડા દિવસ પહેલા સીબીઆઇની ટીમ એકાએક જામનગર આવી હતી અને જયપુર ખાતે આયકરની અપીલેટ ટ્રીબ્યુનલમાં જોઇન્ટ જજ તરીકે સેવા આપતા કમલેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી અને એમને બીજા જ દિવસે સીબીઆઇની ખાસ અદાલત સમક્ષ રજૂ કરીને તા.૧ સુધી રીમાન્ડ મેળવવામાં આવ્યા હતાં અને ગઇકાલે રીમાન્ડ પુરા થયા બાદ સીબીઆઇની ખાસ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી અદાલતે ૧૫ ડીસેમ્બર સુધી જયુડી. કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
ઇન્કમટેકસના આ મહા ભ્રષ્ટાચાર કૌભાંડમાં અગાઉ ટ્રીબ્યુનલના જયુડી. મેમ્બર એસ.સીતાલક્ષ્મી અને એડવોકેટ રાજેન્દ્ર સીસોદીયાની સીબીઆઇ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, અત્રે નોંધનીય છે કે, જયારે ધરપકડ કરાઇ ત્યારે સીતાલક્ષ્મીની કારમાંથી રોકડા ૩૦ લાખ પણ મળી આવ્યા હતાં. આ બંનેને આજે ફરી એક વખત સીબીઆઇની ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવશે.
સીબીઆઇએ વધુ ઉંડા ઉતરતા એવી ચોંકાવતી વિગતો સામે આવી હોવાનું કહેવાય છે કે, જયપુર સ્થિત આયકરની અપીલેટ ટ્રીબ્યુલનમાં મોટાભાગના ચુકાદા આપવા પાછળ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો અને લગભગ ૯૦૦ જેટલા જે ચુકાદા અપાયા છે એ પૈકીના મોટાભાગના ચુકાદાઓની સીબીઆઇ દ્વારા ફેર તપાસ કરવામાં આવશે, તેમાંથી પણ મોટા કડાકા-ભડાકા સર્જતી વિગતો ખુલવાની સંભાવના નકારી શકાતી નથી.
આઇટીએટીના જયપુર ટ્રીબ્યુનલના જયુડી. મેમ્બર તરીકે જામનગરના રાઠોડની ૪ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી હતી અને ચાલું ડીસેમ્બર માસમાં જ એમની આ મુદત પુરી થતી હોવાનું પણ સીબીઆઇના સુત્રોએ ખાસ અદાલતને જણાવ્યું છે.
દેશમાં સીબીઆઇની અપીલેટ ટ્રીબ્યુનલમાં પહેલી વખત સામે આવેલા લાંચ ીશ્વત ખોરીના આ મહા કૌભાંડની તપાસ જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ કેટલીક ચોંકાવતી વિગતો ખુલવાની શકયતા વ્યકત કરવામાં આવી છે, જયપુર સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટ કે જે આખા પ્રકરણમાં દલાલીનો રોલ ભજવતાં હતાં તેઓ હાલમાં ભાગેડુ છે અને એમની ધરપકડ બાદ પણ મહત્વની વિગતો સીબીઆઇને મળવાની પુરી શકયતા છે. આજે સીતાલક્ષ્મી અને રાજેન્દ્ર સીસોદીયાના મુદે સીબીઆઇની ખાસ કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે. આ પ્રકરણથી દેશના, ગુજરાતના અને જામનગરના આયકર સાથે જોડાયેલા સુત્રોમાં ભારે ચર્ચા જાગી છે.