જામનગરમાં ચાર ઔધોગીક એકમમાં સેન્ટ્રલ જીએસટી ટીમે દરોડા પાડતા ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. એકસ્ટ્રુશન પ્લાન્ટ સહીતના એકમોમાં જીએસટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી ખરીદ-વેચાણના બીલ, ઇલેકટ્રોનીક ઉપકરણના ડેટા સહીત અન્ય દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે, ત્યારે વધુ એક જંગી વેરાચોરી ખૂલવાની શકયતા ખુદ તપાસનીશ અધિકારીઓેએ વ્યકત કરી છે. બીજી બાજુ જીએસટી કૌંભાડના હબ બનેલા જામનગરમાં સીજીએસટીની ટીમે વધુ એક વખત સ્થાનિક અને એસજીએસટીના અધિકારીઓને અંધારામાં રાખી દરોડા પાડી સણસણતો તમાચો ઝીંકયો છે.
જામનગરમાં કરોડોના બોગસ બીલીંગ કરી જંગી આઇટીસી મેળવવાના એક પછી એક મસમોટા કૌંભાડ ખૂલતા જામનગર જીએસટી કૌંભાડનું એપી સેન્ટર બન્યું છે. નવાઇની વાત તો એ છે કે, શહેરમાં ખાસ કરીને ઔધોગીક એકમોમાં આ કૌંભાડે માઝા મૂકી છે છતાં સ્થાનિક અને એસજીએસટીના અધિકારીઓને જાણ ન હોય તે માનવાને કોઇ કારણ નથી. નવાઇની વાત તો એ છે કે, સીજીએસટી અને અન્ય શહેરોની ડીજીજીઆઇની ટીમો જામનગરમાં ત્રાટકી એક પછી એક મસમોટા જીએસટી કૌંભાડનો પર્દાફાશ કરી રહી છે છતાં તેમાંથી બોધપાઠ લઇ કાર્યવાહી કરવાને બદલે સ્થાનિક અને એસજીએસટીના અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવી હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. તેનો વધુ એક બોલતો પુરાવો જોવા મળ્યો છે.
કારણ કે, મંગળવારે વધુ એક વખત સ્થાનિક અને એસજીએસટીના અધિકારીઓને અંધારામાં રાખી સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ જામનગરના ચાર ઔધોગીક એકમમાં દરોડા પાડયા હતાં. ઔધોગીક વિસ્તારમાં આવેલા એક એસ્ટ્રુશન પ્લાન્ટ સહીતના એકમોમાં અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધરી ખરીદ-વેચાણના બીલ, ઇલેકટ્રોનીક ઉપકરણના ડેટા સહીત અન્ય દસ્તાવેજોની તપાસ કરી હતી. આથી વધુ એક જંગી ચોરી પકડવાની શકયતા અતરંગ સૂત્રોએ વ્યકત કરી છે. તાજેતરમાં અમદાવાદ ડીજીજીઆઇએ જામનગર, મુંબઇ અને અમદાવાદમાં દરોડા પાડી ફકત કાગળ પર પેઢીઓ ઉભી કરી ચાલતા રેકેટનો પર્દાફાશ કરી પકડી પાડેલા ૨૫૨ કરોડના બોગસ આઇટીસી કૌંભાડને અનુલક્ષીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કેમ તે ચર્ચા પણ જીએસટી વર્તૃળો અને ઉધોગકારોમાં જોરશોરથી થઇ રહી છે. જીએસટી કૌંભાડના હબ બનેલા જામનગરમાં સીજીએસટીની ટીમે વધુ એક વખત સ્થાનિક અને એસજીએસટીના અધિકારીઓને અંધારામાં રાખી દરોડા પાડી લપડાક ઝીંકી છે.
પેઢીના નામ અને વેરાચોરીની વિગતો જાહેર કેમ કરાતી નથી, ગોઠવણ અને ભીનું સંકેલાતું હોવાની ચર્ચા
જામનગરમાં જીએસટી કૌંભાડે માઝા મૂકતા તાજેતરમાં સીજીએસટી, ડીજીજીઆઇ અને રહી રહીને એસજીએસટીની ટીમે ઔધોગીક એકમોમાં દરોડા પાડયા છે. પરંતુ દરોડા સમયે તો ઠીક ઔધોગીક એકમોમાં તપાસ પૂર્ણ થયા બાદ પણ જીએસટીના સંબધિત વિભાગો દ્રારા પેઢીના નામ અને વેરાચોરીની વિગતો શા માટે જાહેર કરાતી નથી તે સમજાતું નથી. બીજી બાજુ મોટાભાગના કિસ્સામાં દરોડા બાદ યેનકેન પ્રકારણે ગોઠવણ કરી ભીનું સંકેલી લેવામાં આવતું હોવાની ચર્ચા ખુદ જીએસટી વર્તુળો અને ઉધોગકારોમાં જોરશોરથી થઇ રહી છે.
ત્યારે જીએસટી અધિકારીઓની સામે આવકથી વધુ સંપતિ અંગે વીજીલન્સ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો ખૂલવાની શકયતા પણ નકારી શકાતી નથી. તાજેતરમાં જામનગરમાં એસજીએસટીની ટુકડીઓએ આબરૂ બચાવવા ત્રણ ઔધોગીક એકમોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં અલનૂર મેટલમાંથી રૂ.૮ લાખ અને ચારભૂજા ઇન્ડ્રસ્ટ્રીઝમાંથી રૂ.૧૦ લાખથી વધુની જીએસટી ચોરી ઝડપાઇ હતી. જયારે જય ભાવની કાસ્ટીંગમાં મોટાભાગે રાજય બહારની ખરીદીના આર્થિક વ્યવહારોનો પર્દાફાશ થયો હતો. જો કે, રાજય બહારની કેટલી પેઢીમાંથી ખરીદી કરાઇ છે તેની સંખ્યા તેમજ અન્ય વિગતો અંગે સીજીએસટીના અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર ન હોય ભેદી મોનથી અનેક શંકા અને સવાલો ઉઠ્યા છે.