ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક દિલ્હી જવા રવાના થતા ગાંધીનગરમાં રાજકીય માહોલ ગરમાયો છે. જો કે આ અંગે સત્તાવર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત કરી નથી. દિલ્હી પ્રવાસને લઈને રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રીનો પ્રવાસ રાજકીય તેમજ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે. બીજી તરફ, કેટલાક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં પરંતુ અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોય શકે છે.
મંત્રીમંડળમાં કયા નવા ચેહેરાનો સમાવેશ થવાની શક્યતા?
મંત્રીમંડળમાંથી કોને પડતા મુકવા અને કોને સ્થાન આપવુ તેનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ જ કરતા હોય છે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે. જેમાં એગ્રેસીવ થઈને લડનારા તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક અપાશે. પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તાર પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે. ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનુ પણ વિશેષ ધ્યાન રખાશે.
આવા નેતાઓમાં જયેશ રાદડીયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરના રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડીયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે.ચાવડાની વિચારણા પણ કરી શકાય છે.