BREAKING NEWS

કમોસમી વરસાદને લઈ CM ભુપેન્દ્ર પટેલ ખુદ મેદાનમાં ઉતરશે, આજે ગીર સોમનાથ અને જુનાગઢના ખેડૂતોને મળશે

  • November 03, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, સુરત, તાપી અને વલસાડના કેટલાક ભાગોમાં પાકને ભારે નુકસાન થયું છે.


ખેડૂતોના ધોવાઈ ગયેલા પાકને જોતા રાજ્ય સરકારની તંત્રિય હલચલ વધવા લાગી છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાનમાં ઉતર્યા છે. મુખ્યમંત્રી આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામ અને જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામની મુલાકાત લેશે.


આ દરમિયાન તેઓ અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને હાલની સ્થિતિની સમીક્ષા કરશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે મંત્રી સર્વ અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાંઝા અને રાજ્યમંત્રી કૌશિક વેકરીયા હાજર રહેશે. સરકાર તરફથી ખેડૂતોને આ કુદરતી આફતમાં સંપૂર્ણ સહાય અને સહકાર આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


પ્રાથમિક અહેવાલ અનુસાર, માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ રૂ. ૫૦૦ કરોડથી વધુનું નુકસાન નોંધાયું છે. આ અંગેની વિગત તાજેતરની કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી સ્થળ પરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત પેકેજ અને વળતર અંગેની ચર્ચા કરશે. ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.


ડાંગર, કપાસ, મગફળી, અડદ, મકાઈ સહિતના પાકો જમીનદોજ થઈ ગયા છે, જ્યારે જામફળ, આંબળા, છોળી જેવા ફળોમાં પણ સડીજવાની સમસ્યા ઊભી થઈ છે. ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને ઇનપુટ કોસ્ટ મુજબ વળતર આપવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે, સહાય નહીં પરંતુ પાક પ્રમાણે વળતર મળવું જોઈએ જેથી આગામી સિઝનમાં ફરીથી ખેતી કરી શકાય.


ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ મામલે સરકાર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, સરકાર હવે માત્ર વચન નહીં આપે, પરંતુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર આપે. કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલએ જણાવ્યું કે, સરકારના સર્વેમાં વિલંબ ન થાય અને દરેક પાકને અલગથી આંકવામાં આવે તે જરૂરી છે. આ વચ્ચે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોની આ મુશ્કેલી રાજકીય ચર્ચાનો મુદ્દો બની છે.


આમ આદમી પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ બંનેએ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો આરંભ કર્યો છે. સરકારને પણ હવે ટૂંકાગાળામાં રાહત પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી શકે છે. રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે, દરેક જિલ્લામાં મહેસૂલ અને કૃષિ વિભાગના અધિકારીઓને સર્વે માટે મેદાનમાં મોકલવામાં આવ્યા છે અને વળતર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે. તંત્રની માહિતી મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક ધોવાણ અને ફળોની સડીજવાથી ખેડૂતોને દિગ્ભ્રમની સ્થિતિ થઈ છે. મુખ્યમંત્રીની આ મુલાકાતથી ખેડૂતોમાં આશાનું કિરણ તો ઝળક્યું છે, પણ વળતર અને સહાયના સ્વરૂપમાં વાસ્તવિક રાહત ક્યારે મળશે તે પ્રશ્ન હજી યથાવત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application