સીએમ, કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિવારે ખોડલધામમાં
સીએમ, કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિવારે ખોડલધામમાં
December 05, 2025 10:47 AM
ખોડલધામ ખાતે આગામી રવિવારે એક જાજરમાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકમા ઉપસ્થિત રહેશે. આ તકે નવ નિયુક્ત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત રાજ્ય સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના તમામ ધારાસભ્યોનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકારના મંત્રી મંડળનું તાજેતરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં લેઉવા પટેલ સમાજના અનેક ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારમાં મંત્રી પદે નિયુક્ત ધારાસભ્યોને ફૂલડે વધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી રવિવારે સવારે ૮:૩૦ કલાકે ખોડલધામ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારોહમાં ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જીતુભાઈ વાઘાણી સહિતના રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સ્થાન પામેલા લેઉવા પટેલ સમાજના ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે. સમારોહમાં લેઉવા પટેલ સમાજના રાજકીય અગ્રણીઓ, ધારારાભ્યો, સંસદ સભ્ય અને સામાજીક આગેવાનો પણ હાજરી આપશે.