BREAKING NEWS

કેન્સર-ડાયાબિટીસની દવાઓ સસ્તી થશે, ત્રણ નવી આયુર્વેદ એઇમ્સ બનાવાશે, દેશ બાયો-ફાર્માનું હબ તરીકે ઓળખાશે, જાણો બજેટમાં હેલ્થ સેક્ટરને શું મળ્યું

  • February 01, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરીને આરોગ્ય ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. આ બજેટમાં દેશનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાના હેતુથી અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કેન્સર જેવા ગંભીર રોગોના દર્દીઓને રાહત આપવાથી લઈને રોજગાર સર્જન અને મેડિકલ ટુરિઝમ સુધી આરોગ્ય ક્ષેત્રના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

બજેટની સૌથી મહત્વની જાહેરાત કેન્સર અને ગંભીર રોગોની દવાઓને સસ્તી બનાવવાની છે. સરકાર દ્વારા 17 જીવનરક્ષક કેન્સર દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત સાત દુર્લભ રોગોની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરાઈ છે. આ નિર્ણયથી મોંઘી સારવાર સામાન્ય લોકો માટે વધુ સુલભ બનશે અને દર્દીઓ પરનો આર્થિક ભાર ઘટશે.

ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ હબ બનાવવા માટે રૂ.10,000 કરોડના રોકાણ સાથે ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજનાનો પ્રારંભ કરાયો છે. આ યોજના હેઠળ કેન્સર, ડાયાબિટીસ જેવી જૈવિક દવાઓનું સ્થાનિક ઉત્પાદન વધારવામાં આવશે. દેશભરમાં 10,000 નવી ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ ઉભી કરવામાં આવશે. બાયો-ફાર્મા ક્ષેત્રમાં ત્રણ નવી આયુર્વેદિક એઇમ્સ સ્થપાશે અને હાલની સાત સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.

આરોગ્ય ક્ષેત્રમાં રોજગાર સર્જન પર પણ ખાસ ધ્યાન અપાયું છે. આગામી પાંચ વર્ષમાં કુલ અઢી લાખ નોકરીઓ ઊભી કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેમાં એક લાખ સહાયક આરોગ્ય કાર્યકરોને તાલીમ આપવામાં આવશે અને દોઢ લાખ કેર-ગિવર્સ તૈયાર કરાશે, જે વૃદ્ધોની સંભાળમાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ રેડિયોલોજી અને એનેસ્થેસિયા જેવા વિશિષ્ટ વિષયોમાં શિક્ષણ અને તાલીમમાં સુધારો કરાશે.


દેશના પાંચ મુખ્ય મેડિકલ હબ વિકસાવવામાં આવશે

મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્રના સહયોગથી દેશના પાંચ મુખ્ય મેડિકલ હબ વિકસાવવામાં આવશે. આ હેલ્થકેર સંકુલોમાં આયુષ કેન્દ્રો, ડાયગ્નોસ્ટિક સુવિધાઓ અને રિહેબિલિટેશન સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે. આયુર્વેદના વિકાસ માટે ત્રણ નવી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.  સાથે જ માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તર ભારતમાં નિમ્હાંસ-2ની સ્થાપના, જિલ્લા હોસ્પિટલોમાં ઇમરજન્સી અને ટ્રોમા કેરની ક્ષમતામાં 50 ટકા વધારો અને કૃત્રિમ અંગોના ઉત્પાદન માટે વિશેષ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News