કેશોદના બાલાગામ નજીક કારે રીક્ષાને ઠોકરે લેતા પલ્ટી મારી હતી રિક્ષામાં સવાર આઠ થી દશ જેટલા વ્યક્તિઓને ઇજા થતા સારવાર માટે કેશોદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક આધેડનું મોત થતા દંપતી ખંડિત થયું હતું. આમદાવાદના આધેડ સહિતનો પરિવાર સાળાનું સગપણ નક્કી કરવા માટે જતા હતા ત્યારે એંય લોકો જુદા જુદા કામ સબબ રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જુના વાડજમાં રેહતાં તરૂણભાઇ સવાભાઇ પરમાર (ઉ.વ.૪૯), પત્નિ હીનાબેન (ઉ.વ.૪૨) અને દિકરા શૌર્ય (ઉ.વ.૧૭)ને લઇને રીક્ષામાં બેસી કેશોદ ગયા હતાં. અને ત્યાંથી સાળા માટે કન્યા જોવા નજીકના ગામે ગયા હતાં. ગઇકાલે આ બધા રિક્ષામાં બેસી માંગરોળ-ગડુ તરફના રોડ પરથી કેશોદ તરફ જતા હતાં ત્યારે રસ્તામાં બાલાગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને ઠોકર મારતા દેતાં રિક્ષા રોડ નીચે ઉતરી ગઇ હતી અને પલ્ટી મારી જતા રીક્ષામાં સવાર તરૂણભાઇ, તેમના પત્નિ, દિકરા અને મુસાફર તરીકે બેઠેલા કેશોદના કોયલાણાના કરણસિંહ રાણાજી રાયજાદા (ઉ.વ.૬૫), તેમના ભાઇ જનકસિંહ રાણાજી રાયજાદા (ઉ.વ.૪૫) અને હરપાલહિ પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ.૪૦) ને ઇજાઓ થતાં કેશોદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
કરણસિંહ, તરુણભાઇ તેમના પત્નિ હીના બેન, દિકરા શૌર્યને વધુ સારવાર માટે કેશોદથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તરુણભાઇનું રાત્રીના મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક તરુણભાઇ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. પોતે એક બહેન ત્રણ ભાઇમાં ત્રીજા હતાં.સંતાનમાં બે દિકરા છે. જયારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કરણસિંહ રાયજાદા જામ ખંભાળિયાના વડત્રા ગામે સગાનું અવસાન થતા ભાઈઓ સાથે ખરખરે ગયા હતાં. ત્યાંથી કેશોદ આવી રીક્ષામાં કોયલાણા જતા હતા બનાવ અંગે રાજકોક સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર કાર ચાલક શોધખોળ હાથ ધરી છે.