વૈશ્વિક બજાર અને અર્થતંત્રના સ્તરે અમેરિકા માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. જાણીતી નાણાકીય સંસ્થા 'જેફરીઝ'ના એક તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) પાસે હવે અમેરિકી ટ્રેઝરી બોન્ડ કરતાં વધુ સોનાનો ભંડાર થઈ ગયો છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સામે દેશની નાણાકીય સ્થિરતા જાળવી રાખવાનો મોટો પડકાર છે. રોકાણકારો હવે યુએસ ડોલર અને અમેરિકી સરકારની ક્રેડિટ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને ધીમે-ધીમે સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી રહ્યા છે.
જેફરીઝના ગ્લોબલ ચીફ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વુડે તેમના ગ્રીડ એન્ડ ફિયર રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકા પર દેવાનો બોજ રેકોર્ડ સ્તરે વધી ગયો છે. હાલમાં અમેરિકાનું વાર્ષિક ચોખ્ખું વ્યાજ જ 1.03 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે, જે ત્યાંની ફેડરલ સરકારની કુલ આવકના 19 ટકા જેટલું થાય છે. આ સિવાય સરકારી ખર્ચ અને વ્યાજની ચૂકવણી ભેગી મળીને સરકારની આવકના 93 ટકાથી વધુ હિસ્સો રોકી લે છે. આ નબળી આર્થિક સ્થિતિને કારણે દુનિયાભરની બેંકો હવે અમેરિકી અસ્કયામતો પરનો ભરોસો ઓછો કરી રહી છે.વિશ્વભરમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને કરન્સીના મૂલ્યમાં થતા ઘટાડાને કારણે ખાસ કરીને ઉભરતા બજારોની કેન્દ્રીય બેંકો પોતાના અનામત ભંડારનું વૈવિધ્યીકરણ કરી રહી છે. વિદેશી રોકાણકારોએ અમેરિકી સરકારી બોન્ડમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચ્યા છે. આંકડા અનુસાર, વિદેશી રોકાણકારોએ માત્ર એક જ મહિનામાં યુએસ ટ્રેઝરી બોન્ડમાં પોતાના હોલ્ડિંગમાં 138.4 બિલિયન ડૉલરનો મોટો ઘટાડો કર્યો છે, જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને આઈએમએફના વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અહેવાલ મુજબ, વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોમાં અમેરિકા પાસે 8,134 ટન સાથે પ્રથમ સ્થાને છે. બાદમાં જર્મની પાસે 3,350 ટન, ઇટાલી પાસે 2,452 ટન, ફ્રાન્સ પાસે 2,437 ટન રશિયા અને ચીન બંને દેશો પાસે 2,300 ટનથી વધુ સોનાનો ભંડાર છે.
ભારત 880 ટન સોનાના ભંડાર સાથે વૈશ્વિક સ્તરે આઠમા ક્રમે છે, જે તેના કુલ વિદેશી હૂંડિયામણ અનામતના આશરે 11 ટકા જેટલું થાય છે. આ ઉપરાંત ટોચના 10 દેશોમાં સ્વિટ્ઝર્લૅન્ડ, જાપાન અને નેધરલેન્ડ્સનો પણ સમાવેશ થાય છે. જેફરીઝના અહેવાલ મુજબ, ભલે હાલમાં યુએસ ડૉલર વિશ્વનું પ્રાથમિક અનામત ચલણ છે, પરંતુ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં એક ગહન પરિવર્તન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય બેંકો હવે મૂલ્યના સાચા ભંડાર તરીકે પરંપરાગત ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ તરફ ધીમે-ધીમે પાછી વળી રહી છે, જે લાંબા ગાળે વૈશ્વિક બજારના સમીકરણો બદલી શકે છે.