BREAKING NEWS

જામનગર : હાલારના વાતાવરણમાં પલ્ટો: બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ: ખેડુતોમાં ચિંતા

  • October 27, 2025 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં બે થી છ ઇંચ જેટલો વરસાદ પડતા માવઠના મારથી મગફળી અને કપાસના પાકને ભારે નુકશાન થયું છે, ખેડુતોમાં નિરાશા જન્મી છે, હવામાન ખાતાએ ચોમાસુ પુર્ણ થઇ ગયાની જાહેરાત કરી દીધા બાદ ફરીથી માવઠુ થયું છે, ગઇકાલ સાંજથી હાલારના વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો છે, આજે જામનગરમાં વ્હેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી હતી અને ઠંડો પવન પણ ફુંકાયો છે, બીજી તરફ બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. ૫૫ થી ૬૦ કિ.મી.ની ઝડપે મોડી રાત્રે પવન ફુંકાયો છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાનું વહિવટી તંત્ર સચેત બની ગયું છે. 


હવામાન ખાતાની ફરીથી આગાહી આવી છે કે, બે દિવસ રાજયના કેટલાક ભાગમાં માવઠુ થવાની શકયતા છે, અમરેલી, જુનાગઢ, ખાંભા, રાજુલા, સુત્રાપાડા, સાવરકુંડલા અને ગીર-સોમનાથ સહિતના વિસ્તારોમાં મગફળીના પાથરા પલળી ગયા છે, ખેડુતોને ફરીથી ભારે નુકશાની વેઠવી પડી છે. 


હાલારમાં ગઇકાલે વાતાવરણમાં પલ્ટો આવતા ઓખા, વાડીનાર, બેડીબંદર સહિતના બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, માછીમારોને ભારે પવનને કારણે દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે, હાલારમાં ૩.૪૭ લાખ હેકટરમાંથી ૮૯.૭૫ ટકા મગફળીનું વાવેતર થયું છે, જો માવઠુ થાય તો ખેડુતોને ભારે નુકશાન થવાની પુરી શકયતા છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૨ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી, હવામાં ભેજ ૯૦ ટકા, પવનની ગતિ ૫૫ થી ૬૦ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. પરંતુ ગઇકાલે જે રીતે ભારે પવન ફુંકાતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. 


જામનગર જિલ્લા કલેકટર કેતન ઠકકર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કલેકટર રાજેશ તન્નાએ તમામ મામલતદારોને સુચના આપીને વરસાદ થાય તો સચેત રહેવા જણાવી દીધું છે. જો કે ગઇકાલના વાતાવરણના પલ્ટા બાદ આજે ઝાપટા પડવાની શકયતા છે, આજે સવારે ૫ વાગ્યાથી જામનગર શહેર અને હાઇવે ઉપર ગાઢ ધુમ્મસ જોવા મળી હતી જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 


ખેતીવાડી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાલારના પાછોતરા વરસાદને કારણે ખેતીમાં લાભ તો થયો છે, પરંતુ જીવાતને કારણે નુકશાન પણ સારૂ થયું છે, જો કે સરકાર તરફથી આ અંગે સહાય આપવી કે કેમ ? તે અંગે હજુ સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી, હાલારમાં મિશ્ર ઋતુનું આગમન થયું છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે.


જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં પાછોતરા વરસાદ બાદ કપાસ બગડવાની થોડી શકયતા વધી ગઇ છે અને તેમાં જીવાત શરૂ થઇ છે જેને કારણે ફાલ ખરી જવાની તેવી ગંભીર સ્થિતિનું પણ કયાંક નિર્માણ થયું છે જેથી ખેડુતોને ભારે નુકશાન થવાની શકયતા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત પણ કરવી જોઇએ. ખરી રીતે હાલારમાં પણ પાછલો વરસાદ ખેડુતો માટે થોડો વિનાશકારી સાબીત થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application