BREAKING NEWS

દુષ્કર્મ-પોક્સોના કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવી પડશે: DGPએ તમામ CP અને SPને કડક સૂચના આપી

  • January 29, 2026 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ સામે થતા જાતીય અત્યાચારોના કિસ્સાઓમાં પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે સી.આઈ.ડી. (ક્રાઈમ અને રેલ્વેઝ) વિભાગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ નોંધાતા તમામ ગુનાઓની તપાસ ફરજિયાત રીતે વધુમાં વધુ 60 દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.


ગુજરાતમાં વધતા જાતીય અપરાધોને નિયંત્રણમાં લેવા અને તપાસની પ્રક્રિયામાં થતો વિલંબ દૂર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ડો. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સ્પષ્ટ સૂચના આપી છે કે મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા બળાત્કારના ગુનાઓમાં કોઈપણ સંજોગોમાં તપાસમાં ઢીલાશ ચલાવી લેવામાં નહીં આવે. નવા ફોજદારી કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 હેઠળ મહિલા સુરક્ષા માટે CID ક્રાઈમ દ્વારા આ કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.


BNSS 2023ની કલમ 193(2) અનુસાર જાતીય અપરાધોની એફ.આઈ.આર. નોંધાયા બાદ બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની કાયદેસરની જવાબદારી બની ગઈ છે. આ નિયમના અમલ માટે રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.


તપાસની ગુણવત્તા સુધારવા માટે ડિજિટલ પુરાવા અને ફોરેન્સિક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવે માત્ર નિવેદનો પર આધાર રાખવાને બદલે વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરવાનું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને સાત વર્ષ કે તેથી વધુ સજાને પાત્ર ગુનાઓમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરી ફરજિયાત રહેશે.


આ ઉપરાંત ગુનાની તપાસની સમગ્ર પ્રક્રિયા અને પુરાવા એકત્ર કરવાની કામગીરીની વીડિયોગ્રાફી કરવાની પણ સૂચના અપાઈ છે, જેથી કોર્ટમાં પુરાવાઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડની શક્યતા ન રહે. તમામ પોલીસ મથકોને E-GujCop પ્લેટફોર્મ પર કેસની વિગતો સમયસર અપડેટ કરવાની ફરજ પાડવામાં આવી છે, જે ડેટા સીધો જ ‘ઇન્વેસ્ટિગેશન ટ્રેકિંગ સિસ્ટમ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સિસ’ (ITSSO) પોર્ટલ પર દર્શાવાશે.


આ ITSSO પોર્ટલ મારફતે નેશનલ ડેટા સેન્ટર પરથી પણ રાજ્યના પર્ફોર્મન્સની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ કેસમાં 60 દિવસથી વધુ સમય લાગશે તો તે માટે સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવે સ્પષ્ટ કહ્યું છે કે તમામ પોલીસ વડાઓએ પોતાના વિસ્તારના આવા કેસોની નિયમિત સમીક્ષા કરવી અને પીડિતોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application