ઓડિશાના રાઉરકેલાથી ભુવનેશ્વર જઈ રહેલું નવ સીટર ચાર્ટર્ડ વિમાન આજે બપોરે અકસ્માતગ્રસ્ત થયું હતું. ઇન્ડિયાવન એરની માલિકીનું આ વિમાન રાઉરકેલા એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ લગભગ 10થી 15 કિલોમીટર દૂર જલદા નજીક ક્રેશ થયું હતું. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ પાઇલટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત હાલ સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ નવ સીટર વિમાન ભુવનેશ્વરથી રાઉરકેલા આવી રહ્યું હતું. વિમાનમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો હાજર હતા. ક્રૂમાં કેપ્ટન નવીન કડાંગા અને કેપ્ટન તરુણ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. ટેકઓફ કર્યા બાદ થોડા સમયમાં જ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિમાન નિયંત્રણ ગુમાવી જલદા નજીક જમીન પર પછડાયું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ખૂબ નીચી ઊંચાઈએ ઉડતું નજરે પડ્યું હતું અને અચાનક જોરદાર અવાજ સાથે નીચે પડ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ત્રણ ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ કમાન્ડ સેન્ટરે વિમાનને સુરક્ષિત બનાવવા અને ઘાયલોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે રાહત અને બચાવ કામગીરીનું સંકલન કર્યું હતું. તમામ ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન બપોરે 1:15 વાગ્યે રાઉરકેલામાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલાં જ આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન સહિત સંબંધિત એજન્સીઓ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ રિપોર્ટ બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.