BREAKING NEWS

ત્રણ વનકર્મીઓને બાઈક પર સિંહનો પીછો કરવો ભારે પડ્યો, ફરજમાંથી કરાયા મુક્ત

  • November 16, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અને સંરક્ષણને લઈને વનવિભાગ સતત સતર્કતાના દાવા કરી રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના અંબાડી સફારી પાર્કમાં સિંહનો મોટરસાઇકલ પર પીછો કરતા વનકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને વનવિભાગે ત્રણ કરાર આધારિત વનકર્મીઓને ફરજમાંથી મુક્ત કરી દીધા છે.


પ્રાથમિક તપાસ બાદ નોટિસ આપીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું છે.



મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યું હતું કે, વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. સાંજના સમયે સફારી પાર્કમાં સિંહોને તેમના વાડાવાળા વિસ્તારમાં પરત લઈ જવાની નિયમિત પ્રક્રિયા ચાલી રહી હતી. સામાન્ય રીતે આ કામગીરી જીપ્ની મદદથી કરવામાં આવે છે, પરંતુ કેટલાક કર્મચારીઓએ મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો.


આ બાબત સામે આવ્યા બાદ સંબંધિત કર્મચારીઓને નોટિસ આપવામાં આવી હતી અને ત્રણેયને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.



બીજી તરફ, ઇન્ચાર્જ સહાયક વન સંરક્ષક મિતેશ વાણિયાએ સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો દિવાળીના તહેવાર દરમિયાન ઉતારવામાં આવ્યો હતો. જોકે, સિંહને હેરાન કરવાનો કોઈ ઇરાદો નહોતો. તેમના જણાવ્યા મુજબ, 300 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા સફારી પાર્કમાં દરરોજ સાંજે પાંચ વાગ્યે સિંહોને 100 બાય 100 મીટરના ફેન્સિંગવાળા વિસ્તારમાં ખોરાક આપવામાં આવે છે. આ દરમિયાન એક સિંહ વાડાની બહાર રહી ગયો હોવાથી તેને પરત વાડા તરફ લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી હતી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીની રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડને કારણે વનકર્મીઓએ સતત 12 કલાક સુધી ફરજ બજાવી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025ની સિંહ ગણતરી મુજબ ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે. આવી સ્થિતિમાં સિંહોના સંરક્ષણ સાથે જોડાયેલી કામગીરીમાં બેદરકારી કે નિયમોના ભંગનો કોઈ પણ કિસ્સો વનવિભાગ માટે ગંભીર બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application