રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગુજરાતભરમાં ભારે ચર્ચા જાગી છે. જોકે આવતીકાલે મહાત્મા મંદિરમાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુંબઈથી પરત ફર્યા છે. થોડીવારમાં જ વર્તમાન મંત્રીઓ સાથે બેઠક શરૂ થશે. બેઠક બાદ તમામ મંત્રીઓ મુખ્યમંત્રીને રાજીનામા સોંપશે.
રાજ્યપાલનું નવા મંત્રીમંડળના સભ્યોને શપથવિધિનું આમંત્રણ
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીમંડળના સભ્યોને આવતીકાલે મહાત્મા મંદિર ખાતે સવારે 11.30 વાગ્યે હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું છે. આ અંગેનો પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, કાર્યક્રમ શરૂ થતા પહેલા 30 મિનિટ અગાઉ આપને ફાળવેલ વિભાગમાં આપની બેઠક લઈ લેવા વિનંતી છે. આવતીકાલના શપથવિધિ સમારોહમાં 5,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. શપથવિધિ બાદના ભોજન સમારંભમાં લાડુ ફુલવડી વટાણા બટાકાનું શાક અને દાળ ભાત પીરસવામાં આવશે.
મંત્રી બનનારા ધારાસભ્યોને જાણ કરી દેવામાં આવી
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મંત્રી બનનારા ધારાસભ્યોને જાણ કરી દેવામાં આવી છે. નવા મંત્રી મંડળની રચના અગાઉ બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને રાત્રે 8 વાગ્યે બેઠક મળશે, મંત્રીમંડળમાં સમાવિષ્ટને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામાં સોંપશે
મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામાં સોંપશે. જેમાં વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપશે. CM સિવાય તમામ મંત્રીની નવેસરથી શપથવિધિ થશે. વર્તમાન સરકારના તમામ મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે, સંગઠનના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહેશે, રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ બેઠકમાં હાજર રહેશે.