જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં આ બ્રિજનું કામ પુરૂ કરવાની ગણતરી છે ત્યારે આ સીકસલેન પ્રોજેકટ રૂ.૬૫ કરોડના ખર્ચે બની રહ્યો છે ત્યારે જામનગર મહાપાલીકાએ આ પ્રોજેકટ મંજુર કરાયો ત્યારે ફોર લેન ટ્રેક દર્શાવાયો હતો અને હવે ફોર લેનને બદલે સીકસલેન પ્રોજેકટ બનાવવા નકકી કરાયું છે, ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ સીકસલેન પ્રોજેકટની સમીક્ષા કરી છે અને પ્રોગ્રેસ રિપોર્ટ મેળવી કામગીરી ગુણવતાયુકત અને ઝડપી બનાવવા સુચના આપી છે.
જામનગરના ફલાય ઓવર પછીનો આ બીજો પ્રોજેકટ શહેર માટે મહત્વનો છે, ફોર લેન માટે રૂ.૬૫ કરોડનું બજેટ મંજુર થયું હતું અને હવે સીકસલેન પ્રોજેકટ બનશે ત્યારે તેનું બજેટ વધી ગયું છે. ૧ હજાર મીટર લાંબા અને ૨૪ મીટરની પહોળાઇ તેમજ ૫.૫૦ મીટરની ઉંચાઇ ધરાવતા આ ફલાય ઓવર બ્રિજ ઝડપથી પુરો થાય તે માટે સુચના અપાઇ છે ત્યારે આ બ્રિજ ઉપરથી પસાર થવા માટે જીએસઆરડીસીના નિયમ મુજબ સીકસલેન કરવામાં આવ્યો છે.
ગઇકાલે રાજયના મુખ્યમંત્રીએ કુલ ૧૪૬ પ્રોજેકટને સમયાંતરે રિવ્યુ મીટીંગ કરવાનો અભિગમ શરૂ કર્યો છે, એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં જામનગરના લાલપુર બાયપાસ ફલાય ઓવર સહિત કુલ ૧૧૩૬૦ કરોડના ૨૭ પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં રેલ્વે સંબંધીત ૪, ઉદ્યોગ અને ખાણખનીજ ૬ અને શહેરી વિકાસના ૧૫ પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવી છે. જો કે ઘણા સમયથી આ કામ ચાલી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં ફલાય ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી હતી, હવે આ કામગીરી પુરી થઇ છે ત્યારે જામનગરનો આ મહત્વનો પ્રોજેકટ ઝડપી બને તે માટે સુચના આપવામાં આવી છે. પ્રોેજેકટ પ્લાનીંગ શાખાના રાજીવ જાનીના જણાવ્યા અનુસાર આ પ્રોજેકટ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યો છે, માર્ચ-૨૦૨૬ સુધીમાં કદાચ આ કામગીરી પુરી થઇ જશે. ત્યારે લાલપુર બાયપાસ ચોકડી વિસ્તારમાં હાલમાં જે ટ્રાફીક રહે છે તે ટ્રાફીક સમસ્યા દુર થઇ જશે. અગાઉ મ્યુ.કમિશ્નર દિનેશ મોદી અને સીટી ઇજનેર ભાવેશ જાનીએ પણ આ બ્રિજની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી, હજુ ગઇકાલે જ જામનગરમાં સમર્પણ સર્કલ, સૈનિક ભવન અને ઠેબા ચોકડી વિસ્તારમાં નવા બ્રિજની જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે ત્યારે આ પુલની સમીક્ષા રાજયના મુખ્યમંત્રીએ ગઇકાલે કરી હતી.
ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટીંગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તમામ પ્રોજેકટ નિર્ધારીત સમયમાં પુરા કરવા અને કવોલીટીમાં કોઇપણ પ્રકારનું સમાધાન ન કરવા જણાવ્યું હતું. રેલ્વે સંબંધીત પ્રોજેકટમાં જમીનને સ્પર્શતા પ્રશ્ર્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા કલેકટરોને પણ સુચના આપવા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવને જણાવ્યું હતું. ગઇકાલે તેઓએ લાલપુર બાયપાસના ૧ હજાર મીટર લાંબા અને ૨૪ મીટર પહોળા ફલાય ઓવરબ્રિજની પણ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને પણ જેમ બને તેમ ઝડપથી આ બ્રિજનું કામ પુરૂ કરવા જણાવ્યું હતું.
જામનગરમાં આગામી દિવસોમાં ૩ ઓવરબ્રિજ બનશે, ત્યારબાદ અન્ય બે રસ્તાઓ પણ ખુલ્લા મુકવા વિચારણા ચાલી રહી છે ત્યારે ખાસ કરીને લાલપુર બાયપાસ ચોકડી પાસે અવારનવાર ટ્રાફિક જામ થઇ જાય છે, પોલીસને ખુબ જ મહેનત કરવી પડે છે, વળી રાજકોટ, દ્વારકા જતાં લોકો પણ વધુ હોય છે ત્યારે જેમ બને તેમ ઝડપથી આ બ્રિજ પુરો થાય તો લોકોની પણ સમસ્યા હળવી થઇ શકે.