BREAKING NEWS

જામનગર : મુખ્યમંત્રીનો પ્રદૂષણ નિયંત્રણનો આદેશ, રંગમતી નદીમાં અમલવારી કયારે?

  • December 04, 2025 04:46 PM 

રાજયના મુખ્યમંત્રીએ તમામ નદી, નાળામાં પ્રદૂષણ રોકવા આદેશ કર્યો છે. ત્યારે જામનગરની શાન ગણાતી અને મહત્વની રંગમતી નદીમાં કારખાનાના ગંદા પાણી બેરોકટોક ઠલવાઇ રહ્યા છે તો મુખ્યમંત્રીના આદેશના પગલે એકશન પ્લાન બનશે કે કેમ તે સવાલ ઉઠ્યો છે. કારણ કે, રંગમતી નદીમાં પ્રદૂષણના કારણે ભૂગર્ભ જળ ગંદુ થઇ રહ્યું છે. જેના કારણે જનઆરોગ્ય પર પણ ખતરો ઉભો થયો છે.


ગાંધીનગરમાં ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વડપણમાં કેબીનેટની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં નદીઓ,નાળાઓમાં ગંદકી અને પ્રદૂષણને અનુલક્ષીને ઉચ્ચ અધિકારીઓને તાકીદના ધોરણે આ સમસ્યાના ઉપાય શોધીને વહેલામાં વહેલી તકે પ્રદૂષણ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા અને એકશન પ્લાન બનાવવા સૂચના આપી છે. ત્યારે જામનગરની શાન અને મહત્વની રંગમતી નદીમાં પ્રદૂષણે માઝા મૂકી છે.


 કારણ કે, આ નદીમાં કારખાનાના ઔધોગીક ગંદા પાણીનો ખુલ્લેઆમ નીકાલ કરવામાં આવી રહ્યો છે. આથી નદીમાં ફીણનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં નદીમાં બાવળ અને અન્ય ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે. નવાઇની વાત તો એ છે કે, મનપા દ્રારા પ્રી-મોન્સુન સફાઇ કામગીરીના દાવા કરવામાં આવે છે. પરંતુ તેની કોઇ અસર રંગમતી નદીમાં જોવા મળતી નથી. કારણ કે, આ નદીમાં બારે મહીના પ્રદૂષણ અને કચરો તથા ગંદકી જોવા મળે છે. 


રંગમતી નદીમાં ઠેર-ઠેર પ્રદૂષણ અને ગંદકીના કારણે જળચર જીવસૃષ્ટી પર જોખમ તો છે. સાથે સાથે ભૂગર્ભ જળ ગંદુ થતા જન આરોગ્ય પર પણ ખતરો થયો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીએ રાજયના તમામ નદી નાળામાં પ્રદૂષણ રોકવા આદેશ કર્યો છે. ત્યારે આ આદેશની અમલવારી તાકીદે થાય અને જામનગરની રંગમતી નદીમાં પ્રદૂષણ રોકવા સંબધીત તંત્રના અધિકારીઓ કયારે અને કેવો એકશ ન પ્લાન બનાવી સીએમના આદેશની કેવી અમલવારી કરે છે તે જોવાનું રહ્યું. તાજેતરમાં જીપીસીબીએ દરેડ જીઆઇડીસીમાં ચાર એકમો કે જે મંજૂરી વગર ધમધમતા હોય અને કારખાનાનું ગંદુ પાણીનો જાહેરમાં નીકાલ કરતા હોય તે પકડી પાડી નોટીસ ફટકારી છે. ત્યારે સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application