સૌરાષ્ટ્રના સૌથી લાંબા જામનગરના ફલાય ઓવરનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે લોકાર્પણ કર્યુ હતું અને આખરે આ સપનું સાકાર થયું હતું, વાહનો દોડતા થયા હતાં, સાતરસ્તાથી સુભાષબ્રિજ સુધીનો આ ફલાય ઓવર ખાસ કરીને દ્વારકા, ખંભાળીયા તરફથી આવતા અને રાજકોટ તરફ જતાં વાહનોેને એક પ્રકારે શહેરની ઉપરથી બાયપાસ આપશે અને એમને શહેરની વચ્ચેથી પસાર થવું પડશે નહીં, આજે ગુજરાતના રાજા જામનગરના આંગણે આવ્યા છે ત્યારે ટકોર કરી દઇએ કે, આ ફલાય ઓવર શહેરની ટ્રાફિક સમસ્યા માટે ત્યારે જ રાહતરૂપ સાબીત થશે જયારે અંબર ટોકીઝ પાસેનો ફલાય ઓવરનો સ્લોપ બનશે.
આજે મુખ્યમંત્રી નિયત સમયે સાતરસ્તા પાસે શરૂ થતાં ફલાય ઓવર સ્થળે આવી પહોંચ્યા હતાં, એરપોર્ટ પર સીએમનું સ્વાગત કર્યા બાદ ભુપેન્દ્રભાઇ પટેલનો કાફલો સીધો સાતરસ્તા સર્કલ ખાતે આવી પહોંચ્યો હતો જયાં ઉપસ્થિત બાળાઓએ કંકુ તિલક કરીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યુ હતું, આ પછી રિબન કાપીને ફલાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા, રાજયમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, સાશક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતનભાઈ નાખવા, આગેવાન બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ તખ્તીનું અનાવરણ કર્યુ હતું અને આ સાથે જ સૌરાષ્ટ્રના સૌથી લાંબા એવા ફલાય ઓવરનું લોકાર્પણ સંપન્ન થયું હતું.
ફલાય ઓવરનું કામ થોડા દિવસ પહેલા પુરૂ થયું હતું અને લોકાર્પણનો ઇન્તેજાર હતો, આ પહેલા મુખ્યમંત્રીનો કાર્યક્રમ તા.૨૦ના રોજ નકકી થયો હતો, પરંતુ એમને નીતીશકુમારના શપથગ્રહણ સમારોહમાં બિહાર જવાનું થયું હોવાથી તા.૨૪ એટલે કે આજે ફલાય ઓવરનું લોકાર્પણ અને શહેરની બીજી કરોડોનો મહત્વકાંક્ષી યોજનાઓના ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નિયત સમયે મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતાં અને આ પછી લોકાર્પણ કરવામાં આવ્યા બાદ ફલાય ઓવર પર વાહનો દોડવાનું શરૂ થયું હતું, અહીંથી મુખ્યમંત્રી ધન્વંતરી ખાતે ઓડીટોરીયમમાં યોજાયેલ લોકાર્પણ-ખાતમુર્હુતના કાર્યક્રમમાં પહોંચ્યા હતાં અને ભાજપ સરકારે માત્રને માત્ર વિકાસને પોતાનો મુળ મંત્ર બનાવીને રાજયનો સર્વાંગી વિકાસ કાર્યો છે જેના મીઠા ફળ લોકોને મળી રહ્યા છે.

જામનગરમાં બનેલા ફલાય ઓવરમાં કુલ ૪ એપ્રોચ સાથે ૪૨૨૫ મીટર કુલ લંબાઇ અને મુખ્ય બ્રિજ ૧૬.૫૦ મીટર તેમજ ઇન્દીરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ૮.૪૦ મીટર (૭.૫૦મીટર), સાતરસ્તા સર્કલ તથા સુભાષ બ્રિજ ૧૧.૭૦ મીટર (૧૦.૯૦ થ્રી લેન) તેમજ બ્રિજની કલીયર ઉંચાઇ ૫.૫૦ મીટર અને સર્વિસ રોડની પહોળાઇ છે, આ સમગ્ર પ્રોજેકટની વિશેષતા એ છે કે, સાતરસ્તા સર્કલ, અંબર ચોકડી સર્કલ, ગુરૂદ્વારા સર્કલમાં આકર્ષક ચીત્ર દોરવામાં આવ્યા છે.
ઓવરબ્રિજ શરૂ થયા બાદ દ્વારકા, રીલાયન્સ, ન્યારા, જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનો જઇ શકશે, બ્રિજમાં કુલ ૪ જંકશન સાતરસ્તા સર્કલ, ગુરૂદ્વારા જંકશન, નર્મદા જંકશન તથા અકસ્માત જેવા બનાવથી રાહત મળશે અને ઇંધણ તથા સમયની બચત થશે. સુભાષ બ્રિજથી સાતરસ્તા સર્કલ થઇ લાલબંગલા સુધીના સર્કલનો નવો રૂટ નિર્માણ થવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા, ગ્રેઇન માર્કેટ, બેડીગેઇટ જેવા વિસ્તારોમાંથી ટ્રાફિક સમસ્યા હળવી બની છે.
જામનગરમાં ૪૨૨૫ મીટર એટલે કે કુલ ૪ એપ્રોચ સાથે ફલાય ઓવર બની ગયો છે, ત્યારે કુલ ૬૧ ગાળાઓમાં ૮૫૦ ટુ-વ્હીલર, ૨૫૦ ફોર-વ્હીલ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય વાહનો અને ૨૬ બસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરાંત કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુસ ટોયલેટની વ્યવસ્થા પણ થશે, એક સ્થળે શ્રમીક સુવિધા કેન્દ્ર (લેબર ચોક) બનાવાશે, ઉપરાંત ૧૦ ગાળામાં સ્પોર્ટસ એકટીવીટી તેમજ ૪ લોકેશન પર વેઇટીંગ અને સીટીંગની વ્યવસ્થા કરવામાં આવશે, ખાવા-પીવાના શોખીનો માટે ૪ શોખીનો પર ફુડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.